આંધ્રપ્રદેશમાં વહેલી સવારે ખાનગી બસ અને ઓટો-રિક્ષા વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વિજયવાડાથી તિરુપતિ જઈ રહેલી ખાનગી બસે ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સમયે ઓટો-રિક્ષામાં કુલ 15 લોકો સવાર હતા. બસની ટક્કરથી ઓટો-રિક્ષામાં સવાર લોકોમાંથી 7નાં મોત થયા હતા, જ્યારે અન્ય 8 લોકોને ઈજા પહોંચી હતી.
અકસ્મતની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી હાથ ધરી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ દુર્ઘટનાને પગલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી બસ ચાલક સહિત સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.








