બાળકોને ધ્યાનમાં રાખીને મેટાનો મોટો નિર્ણય : નવા ફીચર્સનું ટ્રાયલ શરૂ

રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Instagram અને Facebookના ઉપયોગ પર નિયંત્રણની તૈયારી

બાળકો અને કિશોરોમાં વધી રહેલા સોશિયલ મીડિયાના ઉપયોગને ધ્યાનમાં રાખીને મેટાએ મહત્વનો નિર્ણય લીધો છે. બાળકો મોડી રાત સુધી સોશિયલ મીડિયા પર સક્રિય ન રહે અને તેમનો સ્ક્રીન ટાઈમ ઘટે તે માટે મેટા દ્વારા Instagram અને Facebookમાં ‘ડિજિટલ બેડટાઈમ’ સુવિધાનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સગીર યુઝર્સ માટે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી એપના ઉપયોગ પર નિયંત્રણ મૂકવાની તૈયારી છે.

હાલમાં બાળકો નાની ઉંમરથી જ સોશિયલ મીડિયા સાથે જોડાઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રે સૂવાના સમયે પણ Instagram અને Facebookનો ઉપયોગ ચાલુ રહેતો હોવાથી સ્ક્રીન ટાઈમમાં વધારો થાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મેટા હવે બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવા માટે અનેક નવા પગલાં લઈ રહી છે.

રાત્રે અને સ્કૂલના સમયે નોટિફિકેશન ઓછા થશે

મેટાના નવા પ્રયાસમાં માત્ર રાત્રિના સમયનું નિયંત્રણ જ નહીં, પરંતુ રાત્રે અને સ્કૂલના કલાકો દરમિયાન નોટિફિકેશન ઘટાડવાની વ્યવસ્થા પણ સામેલ છે. તેનો હેતુ બાળકોનું ધ્યાન વારંવાર સોશિયલ મીડિયા તરફ ન જાય અને તેઓ ઊંઘ તથા અભ્યાસ પર ધ્યાન આપી શકે તેવો છે.

સગીર યુઝર્સની પોસ્ટ પર મળતા લાઈક અને રિએક્શનની સંખ્યા દેખાતી ન રહે તેવી સુવિધા પણ અમલમાં મૂકવાની તૈયારી છે. મેટાનું માનવું છે કે આ પ્રકારના ફેરફારથી બાળકો પર સોશિયલ મીડિયા પર લોકપ્રિય દેખાવાનું દબાણ ઓછું થઈ શકે છે.

કોસ્મેટિક સર્જરી ફિલ્ટર્સ પર પણ પ્રતિબંધ

બાળકોમાં દેખાવને લઈને વધતી ચિંતાને ધ્યાનમાં રાખીને મેટા કોસ્મેટિક સર્જરી સંબંધિત ફિલ્ટર્સ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં પણ આગળ વધી રહી છે. આ ઉપરાંત સગીર યુઝર્સની ઉંમરની ચકાસણી માટેની એજ-એશ્યોરન્સ સિસ્ટમ અને પેરેન્ટલ કંટ્રોલને વધુ મજબૂત બનાવવામાં આવશે.

ઇન્ફિનિટ સ્ક્રોલિંગ પર પણ નિયંત્રણ

Instagram અને Facebook પર સતત સ્ક્રોલ કરતા રહેવાની આદતને ઘટાડવા માટે મેટા ઇન્ફિનિટ સ્ક્રોલિંગ અનુભવમાં પણ અડચણો ઊભી કરવાની તૈયારી કરી રહી છે. એટલે કે બાળકો લાંબા સમય સુધી એક પછી એક કન્ટેન્ટ જોતા રહે તેવું વર્તન ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

એક સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો હેતુ યુઝર્સને શક્ય તેટલો લાંબો સમય એપ પર જાળવી રાખવાનો હતો, પરંતુ હવે બાળકો માટે આ જ ઉપયોગને નિયંત્રિત કરવાની દિશામાં મેટા આગળ વધી રહી છે. હાલ આ સુવિધાઓનું ટ્રાયલ ચાલી રહ્યું છે અને તેના પરિણામોના આધારે આગળની નીતિ નક્કી કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें