જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો કહેર 14 સ્થળે વાદળ ફાટતાં હાહાકારઃ પૂરનાં પાણીમાં ઘર-ગાડીઓ તણાયાં, 4નાં મોત

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટનાઓએ અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. જુદા જુદા આશરે 14 સ્થળોએ ક્લાઉડબર્સ્ટની માહિતી સામે આવી છે. જેના પગલે પહાડી વિસ્તારોમાં અચાનક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

બુધવારે રાજૌરી જિલ્લાના થાનામંડી સબ-ડિવિઝન વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટ્યા બાદ સ્થાનિક નાળાઓમાં ધસમસતું પાણી આવ્યું હતું. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક વિસ્તારોમાં જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચ્યું છે.

બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ, અનેક વાહનો તણાયાં

રાજૌરી જિલ્લાના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યા હતા. મુખ્ય બસ સ્ટેન્ડ પણ ધસમસતા પાણીની ઝપેટમાં આવી ગયું હતું. અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા અને કેટલાક મકાનોને ભારે નુકસાન થયું છે.

ભૂસ્ખલનના કારણે પહાડી વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર કાટમાળ આવી જતાં વાહનવ્યવહારને પણ અસર થઈ છે. ઘર ગુમાવનારા અથવા નુકસાનગ્રસ્ત પરિવારોને સરકારી શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે.

રાત્રે 3 વાગ્યે આફત ત્રાટકી

સ્થાનિકોના જણાવ્યા અનુસાર 19મીની રાત્રે આશરે 3થી 3.45 વાગ્યાની વચ્ચે વાદળ ફાટ્યા બાદ અચાનક પૂર આવ્યું હતું. લોકો કંઈ સમજે તે પહેલાં જ નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું હતું.

પૂરના પાણીમાં મકાનો, વાહનો અને ખેતીનો પાક તણાઈ ગયો છે. રસ્તાઓ, પાયાગત સુવિધાઓ અને ખેતીની જમીનને પણ નુકસાન પહોંચ્યું છે. અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાતા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં એકસાથે અનેક સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવતા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें