હરેશ જાદવને ચાર કારતૂસ આપનાર મધ્યપ્રદેશનો અમિત રાજકોટથી ઝડપાયો
રાજકોટ શહેર એસઓજીએ હથિયાર ધારાના ગુનામાં ફરાર આરોપી મધ્યપ્રદેશના અમિતકુમાર ઉર્ફે અકુ અશોક પાઠકને રાજકોટ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બેડી વાછકપર ગામના હરેશ ઉર્ફે ભૂરો મોતી જાદવને ચાર રાઉન્ડ કારતૂસ અમિતે સપ્લાય કર્યા હતા.
ગત ફેબ્રુઆરીમાં એસઓજીની ટીમે હરેશ જાદવને દેશી બનાવટની પિસ્ટલ, ત્રણ જીવતા કારતૂસ અને એક ફૂટેલો કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન હથિયારમાં વપરાતા કારતૂસનો સપ્લાયર તરીકે મધ્યપ્રદેશના અમિતનું નામ બહાર આવ્યું હતું. ત્યારથી એસઓજી તેની શોધખોળ કરી રહી હતી.
એસઓજી પીઆઇ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો આરોપીને ઝડપી પાડવા માટે સક્રિય હતી. દરમિયાન પીએસઆઇ બી.વી. ચુડાસમાની ટીમના કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા અને રવિભાઈ ધગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે 44 વર્ષીય અમિતકુમાર ઉર્ફે અકુ અશોક પાઠક, રહેવાસી દંતીયા, મધ્યપ્રદેશને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે અમિતે હરેશ જાદવને ચાર રાઉન્ડ કારતૂસ આપ્યા હતા. આથી હથિયાર કેસમાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હરેશ ઉર્ફે ભૂરો મોતી જાદવ સામે ગાંધીગ્રામની એક પરિણીત મહિલા પર બંદૂકની અણીએ દુષ્કર્મ આચર્યાનો અલગ ગુનો પણ નોંધાયેલો છે.
આ કામગીરી પીઆઇ એન.બી. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ બી.વી. ચુડાસમા સહિત એસઓજીના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે પાર પાડી હતી.








