નવા ક્રિએટર્સ માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝના ટાર્ગેટમાં મોટો વધારો
યુટ્યુબ પર વીડિયો અને શોર્ટ્સ બનાવીને કમાણી કરવા માંગતા નવા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે હવે પાત્રતા મેળવવી વધુ મુશ્કેલ બની શકે છે. યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ (YPP) હેઠળ જાહેરાત અને પ્રીમિયમ રેવેન્યુ શેરિંગ માટેના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો 11 ફેબ્રુઆરી 2027થી અમલમાં આવશે.
નવા નિયમો હેઠળ લાંબા વીડિયો બનાવતા ક્રિએટર્સે છેલ્લા 365 દિવસમાં 8,000 ક્વોલિફાઇડ વોચ અવર્સ પૂર્ણ કરવા પડશે. અગાઉ આ મર્યાદા 4,000 કલાકની હતી. જ્યારે શોર્ટ્સ ક્રિએટર્સ માટે છેલ્લા 90 દિવસમાં 2 કરોડ ક્વોલિફાઇડ વ્યૂઝ મેળવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. અગાઉ આ મર્યાદા 1 કરોડ વ્યૂઝની હતી.
આ ફેરફાર મુખ્યત્વે નવા ક્રિએટર્સ માટે છે. જે ક્રિએટર્સ પહેલાથી YPPમાં સામેલ છે, તેમની કમાણી પર આ નવા પાત્રતા માપદંડની સીધી અસર નહીં પડે.
ફેન ફંડિંગની સુવિધાઓ યથાવત
નવા ટાર્ગેટ પૂરા ન થાય તો પણ ક્રિએટર્સ માટે કમાણીના કેટલાક રસ્તા ખુલ્લા રહેશે. સુપર ચેટ, સુપર થેંક્સ, ચેનલ મેમ્બરશિપ અને યુટ્યુબ શોપિંગ માટેની હાલની મોનેટાઇઝેશન શરતોમાં વધારો કરવામાં આવ્યો નથી.
શોર્ટ્સથી પહેલેથી કમાણી કરતા ક્રિએટર્સ માટે 90 દિવસમાં 1 કરોડ વ્યૂઝનો માપદંડ યથાવત રહેશે. વ્યૂઝ ઘટી જાય તો પણ ચેનલને YPPમાંથી દૂર કરવામાં નહીં આવે અને ફરીથી જરૂરી આંકડો હાંસલ થતાં શોર્ટ્સ રેવેન્યુ શેરિંગ શરૂ થઈ શકે છે.
કમાણીના નવા વિકલ્પો પણ મળશે
યુટ્યુબ ક્રિએટર્સને જાહેરાતની આવક ઉપરાંત શોપિંગ બોનસ, બ્રાન્ડ ડીલ્સ અને ટ્રેન્ડ્સ ઇન્સેન્ટિવ જેવા વિકલ્પો તરફ પણ પ્રોત્સાહિત કરી રહ્યું છે. સાથે જ પ્રીમિયમ લાઇટમાંથી મળતી આવકમાં પણ ક્રિએટર્સને હિસ્સો આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ નવા ફેરફારથી સ્પષ્ટ છે કે યુટ્યુબ પર કમાણી કરવા માટે નવા ક્રિએટર્સે હવે વધુ વોચ ટાઇમ, વધુ વ્યૂઝ અને સતત ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ પર ધ્યાન આપવું પડશે.








