મધ્ય આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમ વિસ્તારમાં સોનાની એક ખાણ અચાનક ધરાશાયી થતાં 30થી વધુ ખાણિયાઓનાં મોત થયા છે. દુર્ઘટના બાદ અનેક મજૂરો ખાણની અંદર ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નાના-મામબેરે પ્રીફેક્ટરના અબ્બા વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ખાણ પરંપરાગત પદ્ધતિથી ચલાવવામાં આવતી હતી અને અહીં આધુનિક ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ થતો હતો. અચાનક ખાણનો મોટો ભાગ ધસી પડતાં અંદર કામ કરી રહેલા મજૂરો દટાઈ ગયા હતા.
દુર્ઘટનામાંથી બચી ગયેલા એક મજૂરે ઘટનાની ભયાનકતા અંગે માહિતી આપી છે. બચાવ ટીમો કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને શોધી રહી છે. જોકે ખાણમાં ફસાયેલા લોકો લાંબા સમયથી બહાર ન આવી શક્યા હોવાથી તેમના જીવિત બચવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક ડેપ્યુટી મેયર સુલેમાન બીએ જણાવ્યું કે સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિક લોકોની મદદથી અત્યાર સુધીમાં 30 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલ મજૂરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટનાને પગલે સ્થાનિક તંત્રે સ્વયંસેવક સંગઠનો અને સ્થાનિક લોકોને બચાવ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે. હાલ મુખ્ય ધ્યાન કાટમાળ નીચે ફસાયેલા મજૂરોને શોધી બહાર કાઢવા પર કેન્દ્રિત છે.








