વધુ એક રિક્ષા ગેંગ ઝડપાઈ: સાળા-બનેવી સહિત ત્રણ આરોપી મુસાફરોના ખિસ્સા સાફ કરતા ઝડપાયા

ઉલટીનું નાટક કરી રોકડ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી; રૂ.25 હજાર રોકડ કબજે

રાજકોટ: શહેરમાં રિક્ષામાં બેસાડીને મુસાફરોના ખિસ્સા હળવા કરતી વધુ એક ગેંગને આજીડેમ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે સાળા-બનેવી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.25 હજારની રોકડ કબજે કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ગોંડલ રોડ પરથી એક રાજસ્થાની યુવકને રિક્ષામાં બેસાડ્યા બાદ ગેંગના સભ્યોએ ઉલટી આવવાનું નાટક કરી તેની નજર ચૂકવી ખિસ્સામાંથી રૂ.25 હજારની રોકડ ચોરી લીધી હતી. ફરિયાદના આધારે તપાસ શરૂ કરી પોલીસે સ્વાતી પાર્ક વિસ્તારમાંથી હુસેન મલેક, શિવમ રાજપૂત અને ભરત ચંદ્રપાલને ઝડપી પાડ્યા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. તપાસમાં સામે આવ્યું કે તેઓ જાહેર રસ્તા પરથી એકલદોકલ મુસાફરોને રિક્ષામાં બેસાડી, ચાલતી રિક્ષામાં ઉબકા આવવાનું નાટક કરીને રોકડ સેરવી લેતા અને બાદમાં ભાડું લીધા વિના મુસાફરને ઉતારી ફરાર થઈ જતા હતા.

પોલીસે જણાવ્યું કે ઝડપાયેલા આરોપીઓમાં શિવમ અને ભરત સાળા-બનેવી છે અને ત્રણેય સામે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના વિવિધ પોલીસ મથકોમાં ચોરી, દારૂ અને અન્ય ગુનાઓના અનેક કેસ નોંધાયેલા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें