મંત્રીની જાસૂસી અને અપહરણનું કાવતરું નિષ્ફળ; હનીટ્રેપ-ખંડણીના નેટવર્કનો ખુલાસો
કોલકાતા: પશ્ચિમ બંગાળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કરતાં હાવડાના આદિત્ય સિંહ ઉર્ફે રાજની ધરપકડ કરી છે. આ પહેલાં હમીમ મંડલ અને અર્પિતા સરકારની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે આદિત્ય સિંહ રાજ્યમંત્રી ઉમેશ રાય તથા તેમના પરિવારની હિલચાલ પર નજર રાખી માહિતી મુખ્ય આરોપી હમીમ મંડલ સુધી પહોંચાડતો હતો. વિધાનસભા ચૂંટણી બાદ મંત્રીને મળેલા ધમકીભર્યા ફોન પાછળ પણ તેનો હાથ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
STFના જણાવ્યા મુજબ આ સમગ્ર નેટવર્ક પાકિસ્તાન સ્થિત હેન્ડલરોના ઇશારે કાર્યરત હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રભાવશાળી વ્યક્તિઓ અને તેમના પરિવારજનોને નિશાન બનાવવામાં આવતા હતા. મોડેલ અને કન્ટેન્ટ ક્રિએટર અર્પિતા સરકાર મારફતે હનીટ્રેપ ગોઠવી બ્લેકમેઇલ કરવામાં આવતું અને તેમાં સફળતા ન મળે તો અપહરણ કરીને ખંડણી વસૂલવાનું કાવતરું રચવામાં આવતું હતું.
પોલીસ સમગ્ર નેટવર્કની વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે.








