દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં અમી છાંટા; વરસાદ ખેંચાતા ખેતી અને પશુપાલન પર વધી અસર
રાજકોટ: સૌરાષ્ટ્રમાં રવિવારે પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાયા હતા. રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અમી છાંટા પડ્યા, પરંતુ વરસાદ ટૂંકા સમય સુધી જ સીમિત રહેતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં હજુ પણ વરસાદની ભારે અછત વર્તાઈ રહી છે. રવિવારે બપોરે દ્વારકા શહેરમાં માત્ર પાંચેક મિનિટ માટે હળવો વરસાદ વરસ્યો હતો. જોકે આ વરસાદથી ગરમી અને ઉકળાટમાં ખાસ કોઈ રાહત મળી નહોતી. વરસાદ બંધ થતાં ભેજનું પ્રમાણ વધતાં વાતાવરણ વધુ ગૂંગળામણભર્યું બની ગયું હતું.
વરસાદની અનિશ્ચિતતા વચ્ચે જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. અનેક ખેડૂતોએ વાવણી માટે ખેતરો તૈયાર કરી દીધા છે, જ્યારે કેટલાકે આગોતરું વાવેતર પણ કરી દીધું છે. પરંતુ પૂરતા વરસાદના અભાવે પાકના વિકાસ સામે પ્રશ્નો ઊભા થયા છે. વરસાદની અછતની અસર ખેતી ઉપરાંત પશુપાલન ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે.
જામનગર જિલ્લામાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 12.5 કિલોમીટર નોંધાઈ હતી.
જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન જોડીયા તાલુકામાં 4 મીમી, જામજોધપુરમાં 4 મીમી અને લાલપુરમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. જામનગર શહેરમાં પણ વાદળોની અવરજવર વચ્ચે અમી છાંટા પડ્યા હતા.
હવામાનમાં વાદળછાયું વાતાવરણ યથાવત હોવા છતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદની રાહ હજુ પણ યથાવત છે. ખેડૂતો હવે આગામી દિવસોમાં મેઘરાજા મન મુકીને વરસે તેવી આશા સાથે આકાશ તરફ મીટ માંડી રહ્યા છે.









