હવે અમદાવાદ સુધી અપીલ માટે નહીં જવું પડે; 1,100થી વધુ પેન્ડિંગ કેસોના નિકાલને મળશે ગતિ
રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છના વેપારીઓ અને ઉદ્યોગકારોની દાયકાથી ચાલી રહેલી માંગને અંતે સંતોષ મળ્યો છે. રાજકોટમાં GST અપીલ ટ્રિબ્યુનલનો સત્તાવાર પ્રારંભ થતાં હવે વેપારીઓને અપીલ માટે અમદાવાદના ધક્કા ખાવા નહીં પડે.
150 ફૂટ રિંગ રોડ સ્થિત આર.કે. આઇકોનિક બિલ્ડિંગમાં શરૂ થયેલી ટ્રિબ્યુનલમાં પ્રમોદકુમાર અને કિશોરીલાલની ન્યાયિક સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. વેપારી સંગઠનો અને GST પ્રેક્ટિશનરોએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવી આવકાર્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલમાં 1,100થી વધુ GST અપીલ કેસો પેન્ડિંગ છે. ટ્રિબ્યુનલ કાર્યરત થતાં આ કેસોના ઝડપી નિકાલ ઉપરાંત અટવાયેલા રિફંડ અને અન્ય કરવેરા વિવાદોના ઉકેલને પણ ગતિ મળશે.
દેશભરમાં શરૂ થયેલી GST ટ્રિબ્યુનલ વ્યવસ્થાના ભાગરૂપે ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ અને સુરત ખાતે ટ્રિબ્યુનલ શરૂ કરવામાં આવી છે.
જોકે, ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરવા માટે ન્યૂનતમ રૂ. 5,000 કોર્ટ ફી ચૂકવવી પડશે. અરજી પ્રક્રિયા ઓનલાઈન હોવા છતાં ટેકનિકલ રીતે જટિલ હોવાથી વેપારીઓને નિષ્ણાતોની મદદ લેવી પડી શકે છે.








