અમદાવાદઃ ગુજરાતના ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિરના 1,000 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા ₹100નો સ્મારક સિક્કો જારી કરવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોઢેરાની સંભવિત મુલાકાત પહેલાં નાણા મંત્રાલયે આ અંગેના નિયમો જાહેર કર્યા છે.
આર્થિક બાબતોના વિભાગે 18 સપ્ટેમ્બર, 2026ના રોજ સિક્કા અધિનિયમ, 2011 હેઠળ GSR 825(E) જાહેરનામું બહાર પાડ્યું છે. સત્તાવાર ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી આ નિયમો અમલમાં આવશે.
જાહેરનામા મુજબ, કેન્દ્ર સરકારના અધિકાર હેઠળ આ પ્રસંગની સ્મૃતિમાં ટંકશાળમાં ₹100નો સિક્કો તૈયાર કરવામાં આવશે. ગોળાકાર આકારના આ સિક્કાનો બાહ્ય વ્યાસ 44 મિલીમીટર રહેશે અને તેની ધાર પર 200 દાંતા રાખવામાં આવશે.
સ્મારક સિક્કો નિકલ-સિલ્વરથી બનાવવામાં આવશે, જેમાં 60 ટકા તાંબુ, 20 ટકા નિકલ અને 20 ટકા ઝીંકનું પ્રમાણ રહેશે. સિક્કાની ડિઝાઇન નિયમોની પ્રથમ અનુસૂચિમાં અને તેનું પ્રમાણભૂત વજન સહિતની વિગતો બીજી અનુસૂચિમાં નક્કી કરવામાં આવશે.
મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા સૂર્ય મંદિર સૂર્યદેવને સમર્પિત ઐતિહાસિક મંદિર છે. આ મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સંરક્ષિત સ્મારકોમાં સામેલ છે.









