ભેળસેળવાળા ઘી સામે મોટી કાર્યવાહી

‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ સહિતના ઘી પર પ્રતિબંધ : કંપનીનું ઉત્પાદન-વેચાણ તાત્કાલિક બંધ

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઈને ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હીની માર્ચે રિટેલ પ્રાઇવેટ લિમિટેડનો ફૂડ બિઝનેસ લાઇસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બીજી તરફ દમણની એસડીપી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને તમામ પ્રકારના ઘીના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર તાત્કાલિક રોક લગાવવામાં આવી છે.

માર્ચે રિટેલના પરિસરની તપાસ દરમિયાન સ્વચ્છતા, કર્મચારીઓની વ્યક્તિગત હાઇજીન, ખાદ્ય પદાર્થોના સંચાલન, કર્મચારીઓની તાલીમ તથા જરૂરી દસ્તાવેજોની જાળવણીમાં ગંભીર ખામીઓ મળી હતી. આથી કંપનીને ખાદ્ય વ્યવસાયની પ્રવૃત્તિઓ બંધ કરી જરૂરી સુધારા કરવા આદેશ અપાયો છે.

ઘીના નમૂનામાં વનસ્પતિજન્ય તત્ત્વ મળી આવ્યું

એસડીપી ઇન્ડસ્ટ્રીઝના ઘીના નમૂનાઓની લેબોરેટરી તપાસમાં ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ સહિતની બ્રાન્ડના ઘીમાં ગુણવત્તાના નિર્ધારિત ધોરણોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું.

તપાસ દરમિયાન બીટા-સિટોસ્ટેરોલ નામનું વનસ્પતિજન્ય તત્ત્વ મળી આવ્યું હતું. શુદ્ધ ઘીમાં આ તત્ત્વ હાજર ન હોવું જોઈએ. ઉપરાંત, ઘીની ચરબીમાં રહેલા વિવિધ ફેટી એસિડના પ્રમાણમાં પણ અસંગતતા નોંધાઈ હતી.

આ તારણો ઘીમાં વનસ્પતિજન્ય અથવા અન્ય બહારની ચરબીની હાજરી તરફ સંકેત કરતા હોવાથી ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

બજારમાં ન પહોંચે તે માટે તાત્કાલિક રોક

તંત્રએ એસડીપી ઇન્ડસ્ટ્રીઝને તેના પરિસરમાં ઉત્પાદિત અથવા સંગ્રહિત તમામ પ્રકારના ઘીના વેચાણ પર રોક લગાવવા અને પ્રતિબંધિત જથ્થો બજારમાં ન પહોંચે તેની ખાતરી કરવા આદેશ આપ્યો છે. પ્રતિબંધ આગામી આદેશ સુધી અમલમાં રહેશે.

ખાદ્ય કંપનીઓ પર તંત્રની નજર

ખાદ્ય સુરક્ષા પ્રાધિકરણે છેલ્લા કેટલાક મહિનામાં ખાદ્ય ક્ષેત્રમાં નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી વધુ કડક બનાવી છે. ભ્રામક જાહેરાતો, ખોટા દાવા અને નિયમવિરુદ્ધ લેબલિંગ સહિતના મામલે 150થી વધુ નોટિસો આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ભેળસેળ સામે તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની તંત્રએ સ્પષ્ટતા કરી છે.

Leave a Comment

और पढ़ें