દેશમાં વરસાદની ખાધ 14%એ પહોંચી : સ્કાયમેટે વરસાદનું અનુમાન ઘટાડી 85% કર્યું
ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતાં ચોમાસાની સ્થિતિ ચિંતાજનક બની છે. દેશભરમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 14 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગામી એક સપ્તાહ દરમિયાન પણ ચોમાસું ખાસ સક્રિય થવાની શક્યતા ઓછી હોવાથી ખાધ વધુ વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે સિઝનના કુલ વરસાદ અંગેનું અનુમાન વધુ ઘટાડ્યું છે. અગાઉ સરેરાશના 94 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને હવે ઘટાડીને 85 ટકા કરવામાં આવી છે. સાથે જ દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થવાની સંભાવના 70 ટકા હોવાનું પણ અનુમાન વ્યક્ત કરાયું છે.
છેલ્લા બે સપ્તાહથી દેશના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક અને સંતોષકારક વરસાદ થયો નથી. ચોમાસાની ટ્રફ હાલમાં હિમાલય તરફ ખસી ગઈ હોવાથી આગામી દિવસોમાં પણ ગુજરાત સહિત વરસાદની જરૂરિયાત ધરાવતા રાજ્યોને ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે.
દરમિયાન બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. તેની અસરથી છત્તીસગઢ અને ઓડિશામાં વરસાદની શક્યતા છે. હિમાલયન વિસ્તાર તથા પૂર્વોત્તર રાજ્યોમાં પણ વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાતોના મતે ચોમાસાની ટ્રફની હાલની સ્થિતિ ચિંતાજનક છે. તે હિમાલય અને પૂર્વોત્તર તરફ કેન્દ્રિત હોવાથી દેશના અન્ય વિસ્તારોમાં વરસાદની તીવ્ર જરૂરિયાત હોવા છતાં તેનો પૂરતો લાભ મળતો નથી.
આ ઉપરાંત અલ નીનોની અસર તથા ઈન્ડિયન ઓશન ડાયપોલની નબળી સ્થિતિને કારણે પણ ચોમાસાની કામગીરી પર અસર પડી રહી હોવાનું જણાવાયું છે. જો આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિમાં મોટો ફેરફાર નહીં આવે તો વરસાદની ખાધ વધુ ગંભીર બની શકે છે.








