ગાવસ્કર-કપિલ સહિત 21 ભૂતપૂર્વ કેપ્ટનોની પાકિસ્તાન સરકારને અપીલ : જેલમાં યોગ્ય સારવાર અને સ્વતંત્ર મેડિકલ તપાસ કરાવો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 1992ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનની જેલમાં કથળતી તબિયતને લઈને વિશ્વભરના ક્રિકેટ દિગ્ગજોએ ચિંતા વ્યક્ત કરી છે. ભારતના સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને દિલીપ વેંગસરકર સહિત 21 ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને સંયુક્ત પત્ર લખ્યો છે.
પત્રમાં 73 વર્ષીય ઇમરાન ખાનને જેલમાં માનવીય વ્યવહાર આપવા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ તેમના અંગત ડોક્ટરોની હાજરીમાં સ્વતંત્ર તથા યોગ્ય તબીબી તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી છે. આ પત્રમાં ઓસ્ટ્રેલિયાના 8, ઇંગ્લેન્ડના 6, ભારતના 3, ન્યુઝીલેન્ડના 2 અને વેસ્ટ ઇન્ડિઝ તથા શ્રીલંકાના એક-એક પૂર્વ કેપ્ટનનો સમાવેશ થાય છે.
અગાઉ પણ 14 કેપ્ટનોએ કરી હતી અપીલ
આ મામલે છ મહિના પહેલાં 14 ભૂતપૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને અપીલ કરી હતી. હવે વધુ 7 પૂર્વ કેપ્ટનો તેમની સાથે જોડાયા છે. ક્રિકેટ દિગ્ગજોએ જણાવ્યું છે કે તેમની અપીલ પાછળ કોઈ રાજકીય હેતુ નથી, પરંતુ રમતગમત અને માનવતાના આધારે ઇમરાન ખાનને યોગ્ય સારવાર મળે તે હેતુ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ અંગે પણ સવાલ
સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની તબીબી તપાસ માટેના મેડિકલ બોર્ડમાં તેમના અંગત ડોક્ટર ફૈઝલ સુલ્તાન અને બહેન ડો. ઉઝમા ખાનને સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, પરિવારજનો અને વકીલોનો આરોપ છે કે સરકારી તબીબી ટીમે યોગ્ય તપાસ કર્યા વિના તેમને ફિટ જાહેર કરી અદિયાલા જેલ પરત મોકલી દીધા હતા.
જમણી આંખની 85% દ્રષ્ટિ ગુમાવ્યાનો દાવો
ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. તાજેતરમાં તેમના વકીલોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે યોગ્ય સારવારના અભાવે તેમની જમણી આંખની આશરે 85 ટકા દ્રષ્ટિ જતી રહી છે.
દરમિયાન, બ્રિટનના પૂર્વ મંત્રી અને ઇમરાન ખાનના પૂર્વ સાળા જેક ગોલ્ડસ્મિથે પણ બ્રિટિશ વિદેશ મંત્રીને પત્ર લખીને આ મામલે કૂટનીતિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.








