નાગપુરમાં ક્લોરીન ગેસ લીકેજથી હાહાકાર : 40 લોકોની તબિયત લથડી, હોસ્પિટલમાં ખસેડાયા

મહારાષ્ટ્રના નાગપુરમાં મોડી રાત્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરીન ગેસ લીક થતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ગોધની વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રાત્રે આશરે 1 વાગ્યે 900 કિલોગ્રામ ક્ષમતાવાળા સિલિન્ડરમાંથી ક્લોરીન ગેસ લીક થયો હતો.

ગેસ આસપાસના રહેણાક વિસ્તારમાં ફેલાતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગેસની અસરને કારણે અનેક લોકોને ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં કુલ 40 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક પોલીસ તથા વહીવટી તંત્રએ આસપાસના લોકોને સાવચેત કરી અસરગ્રસ્ત વિસ્તારથી દૂર રહેવાની સૂચના આપી હતી.

અસરગ્રસ્ત લોકોને સ્પર્શ હોસ્પિટલ અને મેયો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ક્લોરીન ગેસ લીકેજનું કારણ જાણવા તેમજ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવા તંત્ર દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें