હુથીઓ સામે પાકિસ્તાને પગલાં ભરવામાં પીછેહઠ કરી તો સાઉદી નારાજ! MBSને ફોન કરી શાહબાઝ શરીફે કર્યું ‘ડેમેજ કંટ્રોલ’

મધ્યપૂર્વમાં યમન સંકટ વધુ ગંભીર બની રહ્યું છે ત્યારે હુથી વિદ્રોહીઓ સામે સીધી લશ્કરી કાર્યવાહી કરવાના મુદ્દે પાકિસ્તાને નરમ વલણ અપનાવ્યું છે. પાકિસ્તાનના આ વલણથી સાઉદી અરેબિયા સાથેના સંબંધોમાં તણાવ ઊભો થવાની શક્યતા વચ્ચે વડાપ્રધાન શાહબાઝ શરીફ હવે ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે.

સાઉદી પર હુમલો થાય તો પાકિસ્તાન શું કરશે?

તાજેતરમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીયે વચ્ચે ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’ થયો હતો. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અગાઉ સંકેત આપ્યો હતો કે સાઉદી અરેબિયા પર હુમલો થાય તો કરાર હેઠળ પાકિસ્તાન લશ્કરી મદદ માટે આગળ આવી શકે છે.

જોકે, હવે ઈસ્લામાબાદે સ્પષ્ટ કર્યું છે કે આ કરાર માત્ર રક્ષણાત્મક સ્વરૂપનો છે અને તેના આધારે પાકિસ્તાની સેના આપમેળે હુથીઓ સામે યુદ્ધમાં નહીં ઉતરે. પાકિસ્તાનના આ વલણથી સાઉદી નારાજ ન થાય તે માટે શાહબાઝ શરીફે રવિવારે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે ફોન પર વાત કરી હતી.

શરીફે MBSને શું કહ્યું?

ટેલિફોનિક વાતચીત દરમિયાન શાહબાઝ શરીફે સાઉદી નાગરિકો અને માળખાગત સુવિધાઓ પર હુથીઓ દ્વારા કરવામાં આવતા હુમલાની આકરી નિંદા કરી હતી. તેમણે સાઉદી નેતૃત્વ પ્રત્યે પાકિસ્તાનની પૂર્ણ એકતા અને સમર્થન વ્યક્ત કર્યું હતું.

સામે MBSએ પણ પાકિસ્તાનના સમર્થનની પ્રશંસા કરી હતી. આ વાતચીતને બંને દેશો વચ્ચે સંભવિત તણાવ ટાળવા માટેના રાજદ્વારી પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

યમનમાં સંઘર્ષથી શિપિંગ રૂટ પર ખતરો

આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે યમનમાં હુથી અને તેમના વિરોધી દળો વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. 2022માં યુએનની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ બાદ હાલનો તણાવ સૌથી ગંભીર સ્થિતિમાં પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

હુથી દળોએ લાલ સમુદ્રના મહત્વના બંદર મોખા અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ નજીકના ટાપુ પર કબજો જમાવ્યો હોવાના અહેવાલ છે. બીજી તરફ સાઉદી સમર્થિત દળોએ પણ વળતા હુમલા શરૂ કર્યા છે.

સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 82 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા હોવાનો દાવો છે. બાબ-અલ-મંદેબ વૈશ્વિક શિપિંગ માટે મહત્વપૂર્ણ માર્ગ હોવાથી અહીં સંઘર્ષ વધે તો આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા પુરવઠા પર પણ અસર થવાની આશંકા છે.

અમેરિકાએ પણ સીધી કાર્યવાહીથી અંતર રાખ્યું

યમનમાં વધી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાએ અમેરિકાની મદદ પણ માંગી હોવાનું કહેવાય છે. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુથીઓ સામે સીધી લશ્કરી કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો છે.

આ સ્થિતિમાં સાઉદી અરેબિયા પોતાના સુરક્ષા ભાગીદારોની વાસ્તવિક પ્રતિબદ્ધતાનું મૂલ્યાંકન કરી રહ્યું છે. બીજી તરફ શાહબાઝ શરીફ 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બલી દરમિયાન ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત પાકિસ્તાન માટે અમેરિકા અને સાઉદી અરેબિયા બંને સાથેના વ્યૂહાત્મક સંબંધો વચ્ચે સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.

Leave a Comment