મેટાએ કારણ સ્પષ્ટ કર્યું નહીં; 24 કલાકમાં નિર્ણયની ખાતરી આપતો મેસેજ મળી રહ્યો છે
નવી દિલ્હી: મેટાની મેસેજિંગ એપ વોટ્સએપ પર ભારત સહિત અનેક યુઝર્સના એકાઉન્ટ અચાનક ‘રીવ્યુ’ હેઠળ મૂકવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેટલાક યુઝર્સને એકાઉન્ટ સંબંધિત મેસેજ મળ્યા છે, જ્યારે કેટલાકે એપના ચોક્કસ ફીચર્સ કામ ન કરતા હોવાની ફરિયાદ પણ નોંધાવી છે.
યુઝર્સને મળતા મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે તેમનું એકાઉન્ટ વોટ્સએપની સેવાની શરતોનું પાલન કરે છે કે નહીં તેની સમીક્ષા ચાલી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે 24 કલાકની અંદર નિર્ણય અંગે જાણ કરવામાં આવશે.
રીવ્યુ પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે મેટાએ કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. યુઝર્સને વોટ્સએપની ગાઇડલાઇન અને ઉપયોગના નિયમો અંગેની માહિતી માટે લિંક પણ આપવામાં આવી રહી છે.
બીજી તરફ, કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો છે કે તેમના વોટ્સએપ એકાઉન્ટ કોઈ પૂર્વ ચેતવણી વિના અસ્થાયી રીતે બ્લોક અથવા ડિસેબલ કરવામાં આવ્યા છે. જોકે, આ અંગે મેટા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.









