ગુજરાતમાં વરસાદની અસમાન તસવીર: સિઝનનો 52.03% વરસાદ, ક્યાંક 100%થી વધુ તો ક્યાંક 10% પણ નહીં

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત, કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો હજુ વરસાદની રાહમાં; રાજકોટ જિલ્લામાં પણ મોટો તફાવત

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું હવે અડધાથી વધુ સિઝન પાર કરી ચૂક્યું છે અને રાજ્યમાં અત્યાર સુધી 52.03 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જોકે વરસાદનું વિતરણ હજુ પણ અત્યંત અસમાન રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે રાજ્યના કેટલાક તાલુકાઓમાં હજુ પણ સામાન્ય વરસાદ પણ નોંધાયો નથી.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી 472.85 મીમી વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદના 52.03 ટકા બરાબર છે. રાજ્યના 8 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમાં ઉમરગામ, ચીખલી, ખેરગામ, પલસાણા, મહુવા, કામરેજ, માંગરોળ અને સાંતલપુરનો સમાવેશ થાય છે.

બીજી તરફ દેવભૂમિ દ્વારકા અને કચ્છના વિસ્તારોમાં ચોમાસું હજુ પણ નબળું રહ્યું છે. દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ, ખંભાળિયા, પોરબંદર, અબડાસા, અંજાર અને મુંદ્રા સહિતના 8 તાલુકામાં હજુ સિઝનનો 10 ટકા વરસાદ પણ નોંધાયો નથી.

ઝોન મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 76.39 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 43.33 ટકા, મધ્ય ગુજરાતમાં 43.21 ટકા, ઉત્તર ગુજરાતમાં 34.90 ટકા અને કચ્છમાં માત્ર 18.59 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ 27 તાલુકામાં 40 ઇંચથી વધુ, 33 તાલુકામાં 20થી 40 ઇંચ, 113 તાલુકામાં 10થી 20 ઇંચ અને 20 તાલુકામાં માત્ર 2થી 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટ જિલ્લામાં પણ વરસાદની અસમાન સ્થિતિ જોવા મળી છે. જિલ્લામાં અત્યાર સુધી 36.76 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જામકંડોરણામાં સૌથી વધુ 51.25 ટકા વરસાદ થયો છે, જ્યારે વીંછીયામાં માત્ર 18.78 ટકા વરસાદ નોંધાતા બંને તાલુકાઓ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ગોંડલ, જેતપુર અને ધોરાજીમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હજુ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે વરસાદની ખાધ ધરાવતા વિસ્તારોમાં પણ મેઘમહેર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें