વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશથી આયાત થતી જેનરિક દવાઓ પર તબક્કાવાર 200 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નીતિનો હેતુ દવા ઉત્પાદક કંપનીઓને અમેરિકામાં ઉત્પાદન શરૂ કરવા પ્રોત્સાહિત કરવાનો હોવાનું ટ્રમ્પે જણાવ્યું છે.
નવી યોજના મુજબ 1 ઓગસ્ટથી અમલ શરૂ થશે. પ્રથમ બે વર્ષ સુધી ટેરિફ શૂન્ય રહેશે, ત્યારબાદ ત્રીજા વર્ષથી 100 ટકા અને ત્યાર પછી 200 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. આ નિયમ માત્ર જેનરિક દવાઓ માટે રહેશે, જ્યારે પેટન્ટેડ અને બ્રાન્ડેડ દવાઓ હાલના નિયમો હેઠળ જ રહેશે.
આ જાહેરાતની સૌથી વધુ અસર ભારત પર પડી શકે છે, કારણ કે ભારત અમેરિકાને જેનરિક દવાઓનો સૌથી મોટો સપ્લાયર છે. વર્ષ 2025માં ભારતે અમેરિકાને અંદાજે 9.7 અબજ ડોલરની દવાઓની નિકાસ કરી હતી.
જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ફાર્મા કંપનીઓના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. જોકે નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકામાં પહેલેથી જ કામગીરી ધરાવતી ભારતીય કંપનીઓ પર લાંબા ગાળે તેની અસર મર્યાદિત રહી શકે છે.








