અનેક જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ; દરિયામાં 15 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ
અમદાવાદ: બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમના પ્રભાવથી આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 50 કિમી પ્રતિ કલાક સુધીના તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ 31 જુલાઈએ મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે.
તેજ પવનની આગાહીને પગલે વહીવટી તંત્રે જોખમી હોર્ડિંગ્સ, નબળા વીજ થાંભલા, વૃક્ષો અને અન્ય કામચલાઉ માળખાં સુરક્ષિત કરવા સૂચના આપી છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
દરિયાઈ વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી અને બોટની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરિયો તોફાની બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને સમુદ્રમાં ન જવા સૂચના આપવામાં આવી છે.
દરમિયાન જામનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ઘટીને 30.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ 13.42 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.









