સોમનાથમાં શ્રાવણના સોમવારે વહેલી સવારે 4થી રાત્રે 10 વાગ્યા સુધી દર્શન; ચારેય સોમવારે શિવ પાલખીયાત્રા યોજાશે
રાજકોટ: આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં શિવભક્તિનો માહોલ છવાશે. સોમનાથ, ઘેલા સોમનાથ, જડેશ્વર મહાદેવ, ગોપનાથ સહિતના પ્રખ્યાત શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજન માટે ઉમટી પડશે.
સોમનાથમાં વિશેષ તૈયારીઓ
વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. શ્રાવણના દરેક સોમવારે મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રે 10 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. શ્રાવણના પ્રથમ દિવસે મંદિરના શિખર પર વિશેષ ધ્વજારોહણ કરવામાં આવશે.
શ્રાવણના ચારેય સોમવારે મંદિર પરિસરમાં શિવ પાલખીયાત્રા યોજાશે. સમગ્ર માસ દરમિયાન ભગવાન સોમનાથને વિવિધ મનોહર શણગાર કરવામાં આવશે. મંદિર પરિસરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવશે. 15 ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શિવભક્તિ અને રાષ્ટ્રભક્તિના સમન્વયરૂપ ત્રિરંગા શણગાર પણ કરવામાં આવશે.
ભક્તો માટે પ્રસાદીની વિશેષ વ્યવસ્થા
શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશથી મોટી સંખ્યામાં યાત્રિકો સોમનાથ પહોંચે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થાઓ વધારવામાં આવી છે. વિનામૂલ્યે ભોજન પ્રસાદીમાં ભીડને ધ્યાનમાં રાખીને વધારાની બેઠક વ્યવસ્થા સાથે નવું ભોજનપ્રસાદી ઘર પણ કાર્યરત કરવામાં આવશે.
શ્રાવણના ચારેય સોમવારની સંધ્યા ધ્વજા અને પાલખીયાત્રાનું બુકિંગ પણ પૂર્ણ થઈ ગયું છે.
રાજકોટમાં શિવાલયોમાં ભક્તોની ભીડ
રાજકોટમાં રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, મંગલેશ્વર મહાદેવ, કમલેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, સર્વેશ્વર મહાદેવ, ઇશ્વરીયા મહાદેવ અને ભૂતનાથ મહાદેવ સહિતના મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજન-અર્ચન અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક, બિલ્વપત્ર અર્પણ અને ભસ્મ પૂજન જેવી પરંપરાઓ સાથે ભક્તો મહાદેવની આરાધના કરશે.
ખંભાળિયા-દેવભૂમિ દ્વારકામાં પણ ધાર્મિક માહોલ
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રાચીન શિવ મંદિરોમાં શ્રાવણ માસની ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ, સુખનાથ મહાદેવ અને કોટેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં વહેલી સવારથી ભક્તો દૂધ, જળ, પુષ્પ અને બિલ્વપત્ર અર્પણ કરશે.
ખામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ દરમિયાન યોજાતી ઘીની મહાપૂજાના વિશેષ દર્શન પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. વિવિધ મંદિરોમાં દીપમાળા, હવન, થાળ-પ્રસાદ અને વિશેષ પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત દ્વારકાના પ્રસિદ્ધ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શ્રાવણ માસ દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અને પૂજન માટે પહોંચશે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી એક મહિના દરમિયાન હર હર મહાદેવ અને ૐ નમઃ શિવાયના નાદ સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળશે.








