દુબઈના જેબેલ અલી વિસ્તારમાં શ્રેણીબદ્ધ ધડાકાથી દહેશત: 20 મિનિટમાં 7 વિસ્ફોટના અહેવાલ, કારણ હજુ અસ્પષ્ટ

દુબઈ: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હાલ શાંત જોવા મળી રહ્યો છે, ત્યારે યુએઈના દુબઈ સ્થિત જેબેલ અલી વિસ્તારમાં અચાનક થયેલા શ્રેણીબદ્ધ ધડાકાઓએ ચિંતા વધારી છે. સ્થાનિક અહેવાલો મુજબ, આશરે 20 મિનિટના ગાળામાં સાત વિસ્ફોટ જેવા અવાજો સંભળાતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.

ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ અને ઈમરજન્સી ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સોશિયલ મીડિયા પર ઘટનાના વીડિયો વાયરલ થયા હતા, જ્યારે કેટલાક અહેવાલો મુજબ વીડિયો બનાવી રહેલા બે લોકોને સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ માટે અટકાયત કરી હતી.

જેબેલ અલી વિસ્તાર યુએઈનું મહત્વપૂર્ણ બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં આંતરરાષ્ટ્રીય કંપનીઓ, ફ્રી ટ્રેડ ઝોન અને વ્યાપારી પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં ચાલે છે, જેના કારણે ઘટનાએ સ્થાનિકો અને વિદેશી નાગરિકોમાં ચિંતા ફેલાવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. કેટલાક અહેવાલોમાં ઔદ્યોગિક ગોડાઉનમાં અકસ્માતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય કારણોની પણ તપાસ ચાલી રહી છે.

સત્તાવાર તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ઘટનાના કારણ અંગે કોઈ સ્પષ્ટ પુષ્ટિ કરવામાં આવી નથી. સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.

Leave a Comment

और पढ़ें