મુંબઈ: હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું આજે, 4 ઓગસ્ટે 74 વર્ષની વયે નિધન થયું છે. “લગાન”, “ગજની”, “છત્રપતિ” અને “વીરમ” જેવી અનેક લોકપ્રિય ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ઓળખ બનાવનાર પ્રદીપ રાવતે લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા.
અભિનેતાના મેનેજર સિદ્ધાર્થે તેમના નિધનની પુષ્ટિ કરતાં જણાવ્યું કે પ્રદીપ રાવતનું મુંબઈના ભિવંડી વિસ્તારની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું.
મળતી માહિતી મુજબ, પ્રદીપ રાવતને લગભગ ચાર વર્ષ પહેલાં કેન્સર હોવાનું નિદાન થયું હતું. સારવાર બાદ તેમણે આ ગંભીર બીમારી પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ દોઢ મહિના પહેલાં કેન્સર ફરી પાછું આવ્યું હતું. ત્યારથી તેઓ સતત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
સારવાર દરમિયાન તેમના પ્લેટલેટ્સનું પ્રમાણ ઝડપથી ઘટી ગયું હતું અને ત્યારબાદ તેમને વાયરલ તાવ પણ આવ્યો હતો. સ્વાસ્થ્ય સતત બગડતાં અંતે તેઓ જીવનની જંગ હારી ગયા.
પ્રદીપ રાવતના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના ચાહકો અને ફિલ્મી હસ્તીઓ સોશિયલ મીડિયા મારફતે શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.









