નવી દિલ્હીઃ ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિ અને રેડ સી માર્ગ પર વધતા જોખમોને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાય ચેઇન પર દબાણ વધ્યું છે. જેના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને ભારતીય બાસ્કેટનું ક્રૂડ પણ ઊંચા સ્તરે પહોંચ્યું છે.
અહેવાલ મુજબ, ભારતીય રિફાઈનરીઓને આંતરરાષ્ટ્રીય બજારમાં દર્શાવાતા ફ્યુચર્સ ભાવની સરખામણીએ લગભગ 12થી 22 ડોલર પ્રતિ બેરલ સુધી ઊંચા ભાવે ક્રૂડ ખરીદવું પડી રહ્યું છે. નવેમ્બર ડિલિવરીના ફ્યુચર્સ ભાવ અને વાસ્તવિક ડિલિવરીના ભાવ વચ્ચે પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
ક્રૂડની ફિઝિકલ માર્કેટમાં સપ્લાય ટાઈટ બનતા વાયદાના ભાવ કરતાં વાસ્તવિક ડિલિવરીના ભાવમાં વધારો થયો છે. ગલ્ફ દેશોમાંથી ક્રૂડ સપ્લાય પર દબાણ હોવાથી ભારતીય રિફાઈનરીઓ માટે જરૂરી ક્રૂડ મેળવવાનો ખર્ચ વધી રહ્યો છે.
ક્રૂડના સોદા અને વાસ્તવિક ડિલિવરી વચ્ચે સામાન્ય રીતે કેટલાંક અઠવાડિયાનો સમયગાળો હોય છે. આ દરમિયાન શિપિંગ રૂટ, વીમા ખર્ચ, ફ્રેઈટ અને યુદ્ધજન્ય જોખમોને કારણે અંતિમ ડિલિવરી કિંમતમાં મોટો ફેરફાર થઈ શકે છે.
ભારતીય રિફાઈનરીઓ માટે ક્રૂડની ગુણવત્તાના વિકલ્પો પણ મર્યાદિત હોવાથી સપ્લાય ઉપલબ્ધ હોય ત્યારે ઊંચા ભાવે ખરીદી કરવાની ફરજ પડે છે. રિફાઈનરીઓ સતત કાર્યરત રાખવા માટે મોંઘા ભાવે પણ ક્રૂડ ખરીદવું પડે છે, જેના કારણે ભારતની ક્રૂડ આયાતની કિંમત પર સીધી અસર પડી રહી છે.








