જાપાનમાં યોજાનારી 23મી એશિયન ગેમ્સ-2026 માટે મેડલ તૈયાર કરવામાં અનોખી પર્યાવરણમૈત્રી પહેલ અપનાવવામાં આવી છે. યજમાન જાપાને ‘આઈચી-નાગોયા રિસાયકલ્ડ મેડલ પ્રોજેક્ટ’ હેઠળ નાનાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મેળવેલી ધાતુઓનો ઉપયોગ કરીને મેડલ તૈયાર કર્યા છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ નગરપાલિકાઓ દ્વારા એકત્રિત અને દાનમાં આપવામાં આવેલા જૂના ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી ધાતુઓ કાઢવામાં આવી હતી. આ ધાતુઓનો ઉપયોગ એશિયન ગેમ્સના મેડલ બનાવવા માટે કરવામાં આવ્યો છે. ગોલ્ડ મેડલ સંપૂર્ણપણે સોનાનો બનેલો નથી, પરંતુ તેના પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે અને તેમાં શુદ્ધ ચાંદીનો પણ ઉપયોગ થયો છે.
સિલ્વર અને બ્રોન્ઝ મેડલમાં પણ રિસાયકલ કરેલી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેડલની ડિઝાઈનમાં ‘Imagine One Asia’ સૂત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે એશિયાઈ દેશો વચ્ચે એકતા અને સહભાગિતાનો સંદેશ આપે છે.
મેડલની ડિઝાઈન તૂટેલી સિરામિક વસ્તુઓથી પ્રેરિત છે. તેની રચના દ્વારા ખેલાડીઓએ સફળતા મેળવવા માટે કરેલા સંઘર્ષ, મહેનત અને બલિદાનને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મેડલની રિબન પર આઈચી પ્રાંતના ફૂલ **‘કાકિત્સુબાતા’**ની વિશેષ પેટર્ન રાખવામાં આવી છે. જ્યારે મેડલ રાખવા માટેનો કેસ આઈચી પ્રાંતમાં ઉગાડવામાં આવતા જાપાનીઝ સાયપ્રસ એટલે કે ‘હિનોકી’ લાકડામાંથી તૈયાર કરવામાં આવ્યો છે.
આ રીતે એશિયન ગેમ્સના મેડલ માત્ર રમતગમતની સિદ્ધિનું પ્રતિક જ નહીં, પરંતુ રિસાયક્લિંગ, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનો સંદેશ પણ આપશે.








