ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યાના ગંભીર આક્ષેપ બાદ શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલો સામે આવતા આરોપી શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, આરોપી શિક્ષકે ધોરણ-7માં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને રૂપિયા 500 આપીને ગામમાંથી વિદેશી દારૂ લાવવા મોકલ્યો હતો. શાળાના આચાર્યને આ અંગે જાણ થતાં તેમણે વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આ પહેલી ઘટના નહોતી, પરંતુ અગાઉ પણ અનેક વખત શિક્ષક માટે દારૂ લાવી ચૂક્યો હતો.
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. શાળાના આચાર્યે તાલુકા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપી શિક્ષક અગાઉ પણ નશાની હાલતમાં શાળાએ આવતા હોવાના આક્ષેપો થયા હતા.
મળતી વિગતો મુજબ, 20 જૂન, 2026ના રોજ ફરજ દરમિયાન વિદ્યાર્થી મારફતે વિદેશી દારૂ મંગાવ્યાનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ આરોપી શિક્ષક શાળામાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ઘટનાને ગંભીરતાથી લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO)ને પોલીસ ફરિયાદ નોંધાવવા અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક સાથે પણ વાતચીત કરીને ઝડપથી તપાસ પૂર્ણ કરવા જણાવ્યું છે.
ઘટના સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ જણાવ્યું છે કે બાળકોને શિક્ષણ અને સારા સંસ્કાર માટે શાળામાં મોકલવામાં આવે છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે નહીં. તેમણે દોષિત સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હાલ પોલીસ આરોપી શિક્ષકની શોધખોળ કરી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








