ઊંઝા પંથકમાં જીરૂ અને વરીયાળીના વેપારમાં ભેળસેળનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાં ફૂડ વિભાગે અલગ-અલગ બે સ્થળોએ દરોડા પાડી વરીયાળીમાં ભેળસેળનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
મળતી માહિતી મુજબ, ફૂડ વિભાગે કાર્યવાહી દરમિયાન અંદાજે ₹19.6 લાખની કિંમતનો 26 ટન ભેળસેળયુક્ત વરીયાળીનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન ભાર્ગવ પ્રવિણભાઈ પટેલ અને રાકેશ તુલસીભાઈ પટેલની પેઢીમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વરીયાળીને વધુ લીલી અને આકર્ષક દેખાડવા માટે તેમાં કેમિકલયુક્ત અખાદ્ય રંગ (કલર)ની ભેળસેળ કરવામાં આવતી હતી. આ પ્રકારની ભેળસેળ આરોગ્ય માટે હાનિકારક હોવાનું ફૂડ વિભાગે જણાવ્યું છે.
આ ઉપરાંત તપાસ દરમિયાન બંને પેઢીઓ પાસે ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી ફૂડ સેફ્ટી લાઇસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. જેના આધારે વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ફૂડ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને પ્રમાણિત ખાદ્ય વસ્તુઓ જ ખરીદવાની તેમજ કોઈપણ પ્રકારની ભેળસેળ અંગે જાણ થાય તો તાત્કાલિક વિભાગને જાણ કરવાની અપીલ કરી છે.








