સગીર વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાની સૂચના; પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી પર કોર્ટની કડક ટિપ્પણી
નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર સહિત દેશભરમાં યોજાયેલા નીટ પેપર લીક વિરોધી આંદોલન દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. સર્વોચ્ચ અદાલતે આંદોલન સંબંધિત CCTV ફૂટેજ, બોડી કેમેરા, ડ્રોન વીડિયો, પોલીસ વાયરલેસ સંદેશાવ્યવહાર અને અન્ય તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે.
મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે અને જો પ્રદર્શન શાંતિપૂર્ણ હોય તો પોલીસ દ્વારા બળપ્રયોગને યોગ્ય ઠેરવી શકાય નહીં. સાથે જ કોર્ટએ સ્પષ્ટ કર્યું કે કાયદો હાથમાં લેવાની મંજૂરી કોઈને પણ આપી શકાય નહીં અને પોલીસ પર હુમલો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.
સુપ્રીમ કોર્ટે સગીર વિદ્યાર્થીઓ તથા જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એવા પ્રદર્શનકારીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત આગામી સુનાવણી સુધી આવા વિદ્યાર્થીઓ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જોકે, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા આરોપીઓને આ રાહત લાગુ નહીં પડે તેમ કોર્ટએ સ્પષ્ટ કર્યું છે.
કોર્ટે દિલ્હી, બિહાર, કેરળ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. સાથે જ આંદોલન દરમિયાન થયેલી તમામ ઘટનાઓના પુરાવા જાળવી રાખવા સંબંધિત રાજ્યોની પોલીસને નિર્દેશ આપવામાં આવ્યા છે.
સુનાવણી દરમિયાન કોર્ટે સંકેત આપ્યો કે સમગ્ર ઘટનાક્રમની નિષ્પક્ષ તપાસ માટે સ્વતંત્ર ઉચ્ચસ્તરીય સમિતિની રચના અંગે પણ વિચારણા થઈ શકે છે. કોર્ટના મતે લોકશાહીમાં વિરોધ પ્રદર્શન સ્વાભાવિક છે, પરંતુ આવા પ્રસંગોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એકસમાન રાષ્ટ્રીય પ્રોટોકોલની પણ જરૂર છે.








