બ્રેન્ટ ક્રૂડ $85ની નીચે સરક્યું: સોના-ચાંદીમાં મોટો ઘટાડો, શેરબજારમાં સુસ્ત કારોબાર

મધ્યપૂર્વમાં તણાવ ઘટતા કોમોડિટી બજારમાં નરમાઈ; રૂપિયો મજબૂત બન્યો

નવી દિલ્હી: મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં રાહતના સંકેતો બાદ વૈશ્વિક બજારોમાં દબાણ જોવા મળ્યું છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ $85થી નીચે સરકતાં સોના-ચાંદીમાં તીવ્ર ઘટાડો નોંધાયો, જ્યારે ભારતીય શેરબજારમાં દિવસભર સુસ્ત કારોબાર જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારમાં WTI ક્રૂડ $80.24 અને બ્રેન્ટ ક્રૂડ લગભગ $85ના સ્તરે ટ્રેડ થયું. ક્રૂડના ભાવમાં ઘટાડાની અસર કરન્સી માર્કેટ પર પણ જોવા મળી હતી અને ડોલર સામે રૂપિયો 7 પૈસા મજબૂત થઈ 95.82 પર બંધ રહ્યો હતો.

કેટલાક દિવસોની તેજી બાદ કિંમતી ધાતુઓમાં મોટો કરેક્શન આવ્યો હતો. સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ₹1,750 અને ચાંદીમાં ₹6,900નો ઘટાડો નોંધાયો હતો. કોમોડિટી વાયદા બજારમાં પણ બંને કિંમતી ધાતુઓમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી.

શેરબજારમાં મર્યાદિત વધઘટ વચ્ચે સેન્સેક્સ 46 પોઈન્ટ ઘટીને 76,789 અને નિફ્ટી 6 પોઈન્ટના ઘટાડા સાથે 23,990 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન રોકાણકારો સાવચેત વલણ અપનાવતા બજારમાં નિરસતા જોવા મળી હતી.

કારોબાર દરમિયાન કોફોર્જ, TCS, ઇન્ફોસિસ, ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ અને ટીવીએસ મોટર્સના શેરોમાં તેજી નોંધાઈ હતી, જ્યારે HDFC બેંક, હિંદુસ્તાન યુનિલીવર, વરુણ બેવરેજિસ, સુઝલોન, વોડાફોન આઈડિયા અને વારી એનર્જીના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

Leave a Comment

और पढ़ें