ચોમાસું મજબૂત, વૈશ્વિક તણાવમાં રાહત: હવે આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અપેક્ષા

સારા વરસાદ અને શાંત પડતા વૈશ્વિક સંજોગો વચ્ચે બજારની નજર બુધવારે જાહેર થનારા આરબીઆઈના નિર્ણય પર

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠક વચ્ચે હવે વ્યાજદરમાં ઘટાડાની અટકળો ફરી તેજ બની છે. સારા ચોમાસા અને વૈશ્વિક તણાવમાં ઘટાડાના સંકેતોને કારણે બજાર તથા નાણાકીય ક્ષેત્રને આશા છે કે આગામી સમયમાં આરબીઆઈ વ્યાજદરમાં રાહત આપી શકે છે.

નાણાકીય નિષ્ણાતોના મતે, અગાઉ ઈરાન-અમેરિકા તણાવ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ફુગાવાની ચિંતાને કારણે આરબીઆઈએ વ્યાજદર યથાવત રાખ્યા હતા. જોકે હવે યુદ્ધની સ્થિતિમાં નરમાઈ જોવા મળી રહી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા પણ ઓછી થઈ રહી છે.

બીજી તરફ, દેશમાં ચોમાસું અપેક્ષા કરતાં વધુ સારું રહ્યું છે. અત્યાર સુધી સિઝનનો અંદાજે 68 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ખાદ્ય ફુગાવા અંગેની ચિંતામાં ઘટાડો થવાની શક્યતા છે.

તેમ છતાં આરબીઆઈ હજુ સાવચેતીભર્યો અભિગમ અપનાવે તેવી શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સ્થિતિ, ફુગાવાના આંકડા તેમજ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ જ વ્યાજદર અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે.

હાલ બજારની નજર હવે બુધવારે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા જાહેર થનારી મોનેટરી પોલિસી પર કેન્દ્રિત છે. તહેવારોની સીઝન પહેલાં વ્યાજદરમાં રાહત મળે તો માંગમાં વધારો થવાની અને અર્થવ્યવસ્થાને ગતિ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें