રાજકોટ, તા. 22: સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદનો દોર યથાવત રહ્યો છે, જ્યારે અરબી સમુદ્રમાં કરંટ અને તોફાની પવનની સ્થિતિને પગલે વેરાવળ અને અલંગ સહિતના બંદરો પર 3 નંબરના ભયસૂચક સિગ્નલ ફરકાવવામાં આવ્યા છે. હવામાન વિભાગે 25થી 28 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગિરનાર પર દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ, મેંદરડા અને ભેસાણમાં પોણો ઇંચ સુધી વરસાદ પડ્યો હતો, જ્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા, સિહોર અને તળાજા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. રાજકોટ અને જામનગર જિલ્લામાં હળવા ઝાપટાંથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી આપી છે. સમુદ્રમાં રહેલી બોટોને તાત્કાલિક બંદરે પરત લાવવા તેમજ બંદરે ઊભેલી બોટોને સુરક્ષિત રીતે બાંધી રાખવા સૂચના આપવામાં આવી છે. તંત્રે માછીમારોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
દરમિયાન ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા સતત પાંચમા દિવસે પણ બંધ રાખવામાં આવી છે. ગિરનાર પર પવનની ઝડપ 72 કિમી પ્રતિ કલાક સુધી પહોંચતાં સુરક્ષાના કારણોસર રોપ-વેનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. પવનની ગતિ સામાન્ય બન્યા બાદ જ સેવા ફરી શરૂ કરવામાં આવશે.









