વધતા રાજકીય દબાણ વચ્ચે વાતચીતના સંકેત; મેદાંતા હોસ્પિટલમાં ઉપવાસી વાંગચૂકને મળ્યા નડ્ડા અને જીતેન્દ્ર સિંહ
નવી દિલ્હી: જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન અને વધતા રાજકીય દબાણ વચ્ચે કેન્દ્ર સરકારે પોતાનો અભિગમ બદલ્યો હોય તેવા સંકેતો મળ્યા છે. ઉપવાસ પર રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકને મળવા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહ મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા.
વાંગચૂક છેલ્લા 23 દિવસથી ઉપવાસ પર છે અને દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ પણ તેમણે ગ્લુકોઝ લેવાનો ઇનકાર કરી પોતાનો ઉપવાસ યથાવત રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ દરમિયાન આંદોલનને લઈને વિપક્ષ પણ આક્રમક બન્યો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ સરકાર સામે વિરોધ વધુ તેજ બનાવતાં રાજકીય માહોલ ગરમાયો છે. આવી સ્થિતિમાં બે કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતને સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સંવાદ શરૂ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
ચોમાસુ સત્ર પૂર્વે વધતા રાજકીય દબાણ વચ્ચે સરકાર આંદોલનનો ઉકેલ વાતચીતથી લાવવા પ્રયાસ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સોનમ વાંગચૂક મેદાંતા હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ છે અને સરકાર તેમના સ્વાસ્થ્ય પર પણ સતત નજર રાખી રહી છે.









