યુક્રેનના ઓડેસા બંદર નજીક કાર્ગો શિપ પર રશિયન મિસાઇલ હુમલો: 4 ભારતીય નાવિકોના મોત, 1 ગંભીર રીતે ઘાયલ

અનાજ લઈ જઈ રહેલા વેપારી જહાજને નિશાન બનાવાયું; ભારતે વ્યક્ત કર્યું દુઃખ, નિર્દોષ નાગરિકો પર હુમલાની કરી કડક નિંદા

નવી દિલ્હી: યુક્રેનના ઓડેસા બંદર નજીક કાળા સાગરમાંથી પસાર થઈ રહેલા એક વેપારી કાર્ગો જહાજ પર રશિયાએ મિસાઇલ હુમલો કરતાં ચાર ભારતીય નાવિકોના મોત થયા છે, જ્યારે એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટનાને લઈને ભારત સરકારે ઊંડું દુઃખ વ્યક્ત કરતાં વેપારી જહાજો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાની કડક નિંદા કરી છે.

હુમલાનો ભોગ બનેલા જહાજનું નામ ‘ગોલ્ડન લિયો’ હોવાનું જાણવા મળ્યું છે. તુર્કીની માલિકીનું અને ગિની-બિસાઉના ધ્વજ હેઠળ સંચાલિત આ જહાજ યુક્રેનમાંથી અનાજનો જથ્થો લઈને નીકળ્યું હતું. આ દરમિયાન રશિયાની Kh-59/Kh-69 શ્રેણીની ત્રણ ક્રૂઝ મિસાઇલો જહાજ સાથે અથડાતાં ભારે વિસ્ફોટ થયો હતો.

જહાજમાં કુલ 17 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં પાંચ ભારતીય અને બાકીના સીરિયાના નાગરિકો હતા. હુમલામાં એક યુક્રેનિયન નેવિગેટરનું પણ મોત થયું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.

ભારતના વિદેશ મંત્રાલયે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે ચાર ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ઘાયલ નાવિકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં રહી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે કોઈ દેશનું સીધું નામ લીધા વગર જણાવ્યું કે વેપારી જહાજો પર હુમલા, નિર્દોષ નાગરિકોના જીવને જોખમમાં મૂકવા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારને અસર પહોંચાડવી અત્યંત ચિંતાજનક બાબત છે અને આવા હુમલાઓથી દૂર રહેવું જોઈએ.

આ ઘટનાની સાથે રશિયા-યુક્રેન સંઘર્ષમાં જીવ ગુમાવનારા ભારતીય નાગરિકોની સંખ્યા વધીને 53 થઈ ગઈ છે. અગાઉ યુદ્ધ ક્ષેત્રમાં સપોર્ટ સ્ટાફ તરીકે કાર્યરત 49 ભારતીયોના મોત થયા હતા. ઉપરાંત આ વર્ષે ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં પણ 14 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાનું નોંધાયું છે.

યુક્રેનના વિદેશ મંત્રી એન્દ્રી સિબિહાએ હુમલાની નિંદા કરતાં જણાવ્યું કે વેપારી જહાજોને નિશાન બનાવવું આંતરરાષ્ટ્રીય કાયદાનો ગંભીર ભંગ છે અને રશિયા નિર્દોષ લોકોના જીવની કોઈ પરવા કરતું નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી દરિયાઈ વેપાર માર્ગો પર હુમલાઓમાં વધારો થતાં વૈશ્વિક વેપાર અને સુરક્ષા અંગે ચિંતા વધુ ગાઢ બની રહી છે.

Leave a Comment

और पढ़ें