PCBના દરોડામાં નકલી સ્કોચ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ; ઓનલાઈન મંગાવતો સીલ અને કેપ, ચાર મહિનાથી ચલાવતો હતો કાળો કારોબાર
રાજકોટ: દારૂબંધી ધરાવતા ગુજરાતમાં હવે માત્ર ગેરકાયદે દારૂ જ નહીં, પરંતુ ડુપ્લિકેટ સ્કોચના નામે ગ્રાહકો સાથે છેતરપિંડીનો ખેલ પણ સામે આવ્યો છે. રાજકોટ શહેરની PCBએ ભગવતીપરામાં દરોડો પાડી સસ્તી વ્હિસ્કીને મોંઘી બ્રાન્ડની સ્કોચ તરીકે વેચતા રિક્ષાચાલકની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીની ઓળખ અનિશ આમદભાઈ હિંગોરા (ઉ.વ. 28) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી રોયલ ચેલેન્જ અને ઓલ સિઝન્સ જેવી સસ્તી વ્હિસ્કીને મોંઘી સ્કોચની ખાલી બોટલોમાં ભરી, નવી કેપ અને સીલ લગાવી અસલી બ્રાન્ડ તરીકે વેચાણ કરતો હતો.
દરોડા દરમિયાન પોલીસે મોંઘી બ્રાન્ડની ભરેલી અને ખાલી બોટલો, પ્લાસ્ટિક કેપ, સીલ, હીટ ગન સહિત કુલ ₹11,507નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ઓનલાઈન કેપ અને સીલ મંગાવી બોટલને અસલી જેવી બનાવી દેતો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા ચાર મહિનાથી આ ગેરકાયદે ધંધો ચલાવતો હતો. તેણે રિક્ષાનો વ્યવસાય મંદી જતાં ઓનલાઈન ₹4 લાખની લોન લીધી હતી અને તેની ભરપાઈ કરવા માટે આ માર્ગ અપનાવ્યો હતો. અંદાજે ₹1 હજારની સસ્તી વ્હિસ્કીને ₹6 હજારની સ્કોચ તરીકે વેચીને મોટો નફો કમાતો હતો.
પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ નકલી દારૂના કારોબારમાં અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં અને આ દારૂ ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.








