ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની ગતિવિધિ ફરી સક્રિય બનતા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 112 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતાં ખેડૂતો અને નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં 2.24 ઇંચ નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના કામરેજમાં 1.81 ઇંચ, કચ્છ જિલ્લાના રાપરમાં 1.69 ઇંચ તેમજ સુરત જિલ્લાના માંગરોળ અને બારડોલીમાં આશરે 1.50 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના અનેક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતા. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે, જ્યારે કૃષિ માટે પણ અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી પ્રવૃત્તિ યથાવત રહી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સમયસર વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં સારા પાકની આશા વધુ મજબૂત બની છે, જ્યારે રાજ્યના જળાશયો અને ડેમોમાં પણ પાણીની આવકમાં વધારો થવાની સંભાવના છે.









