જમ્મુ-કાશ્મીરમાં વરસાદી તબાહી: ચાર દિવસમાં 31નાં મોત, યાત્રાઓ સતત પાંચમા દિવસે સ્થગિત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સતત ચાર દિવસથી વરસી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. પૂર, ભૂસ્ખલન અને અન્ય વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે.

ભારે વરસાદને કારણે ચિનાબ નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જ્યારે તવી સહિતની અન્ય નદીઓ પણ બે કાંઠે વહેતાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

રામબન જિલ્લામાં મુસાફરોથી ભરેલા ટેમ્પો પર વિશાળ ખડક ધસી પડતાં દંપતીનું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. ઉપરાંત સુંદરબનીમાં સરહદી ચોકી પર તૈનાત પંજાબના એક જવાન અને બાંડીપોરામાં પૂરના પાણીમાં તણાઈ જવાથી એક બાળકનું પણ મૃત્યુ થયું છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શ્રી અમરનાથ યાત્રા, માતા વૈષ્ણોદેવી યાત્રા અને શિવખોડી યાત્રા સતત પાંચમા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે.

ઉધમપુર-રામબન વચ્ચે અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. માર્ગો બંધ થવા અને વીજ પુરવઠાને નુકસાન પહોંચતાં હજારો યાત્રાળુઓ તથા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ગુરુવાર બપોર બાદ હવામાનમાં સુધારો થવાની શક્યતા છે, જોકે તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें