અલ્હાબાદ હાઈકોર્ટે સ્કૂલના ડ્રેસ કોડ અને શિસ્ત અંગે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં કહ્યું છે કે નિર્ધારિત યુનિફોર્મ સાથે વધારાનો હેડસ્કાર્ફ, દુપટ્ટો અથવા હિજાબ પહેરવાની માગને વિદ્યાર્થી પોતાના અધિકાર તરીકે રજૂ કરી શકે નહીં. સ્કૂલ દ્વારા નક્કી કરવામાં આવેલો ડ્રેસ કોડ તમામ વિદ્યાર્થીઓ માટે સમાન રીતે લાગુ થવો જોઈએ, તેમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે.
જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ ઈન્દ્રજીત શુક્લાની ખંડપીઠે પ્રયાગરાજની ટેગોર પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની સુકના રિઝવીની અરજી ફગાવી આ નિર્ણય આપ્યો હતો. વિદ્યાર્થીનીએ સ્કૂલ યુનિફોર્મ સાથે હિજાબ પહેરીને વર્ગખંડમાં બેસવાની પરવાનગી માગી હતી.
ડ્રેસ કોડ નક્કી કરવાનો અધિકાર સ્કૂલનો
હાઈકોર્ટે કહ્યું કે સ્કૂલ મેનેજમેન્ટને પોતાની યુનિફોર્મ નક્કી કરવાનો અધિકાર છે. અગાઉ કોઈ સમયે સ્કૂલે વિદ્યાર્થીનીને સ્કાર્ફ પહેરવાની મંજૂરી આપી હોય તો તેનો અર્થ એવો નથી કે તેને કાયમી ધોરણે સ્કાર્ફ પહેરવાનો અધિકાર મળી ગયો.
કોર્ટે નોંધ્યું કે યુનિફોર્મનો હેતુ વિદ્યાર્થીઓ વચ્ચે સમાનતા જાળવવાનો છે. જો વ્યક્તિગત પસંદગીના આધારે દરેક વિદ્યાર્થીને યુનિફોર્મમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવે તો યુનિફોર્મની એકરૂપતા અને તેની મૂળ ભાવના જ ખતમ થઈ શકે છે.
હિજાબને અનિવાર્ય ધાર્મિક પ્રથા ગણાવવા પૂરતો આધાર નહીં
ખંડપીઠે કર્ણાટક હાઈકોર્ટની પૂર્ણપીઠના રેશમ વિરુદ્ધ કર્ણાટક રાજ્યના ચુકાદા સહિતના અગાઉના ન્યાયિક નિર્ણયોને ટાંક્યા હતા. કોર્ટે કહ્યું કે અરજીમાં એવો પૂરતો ધાર્મિક આધાર અથવા પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી કે હેડસ્કાર્ફ પહેરવો ઈસ્લામની અનિવાર્ય ધાર્મિક પ્રથા છે.
યુનિફોર્મથી સમાનતા અને શિસ્ત
કોર્ટે કહ્યું કે સ્કૂલ યુનિફોર્મ વિદ્યાર્થીઓ વચ્ચેનો ભેદભાવ ઘટાડીને સમાનતાપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં મદદ કરે છે. વ્યક્તિગત અથવા ધાર્મિક પસંદગીના આધારે યુનિફોર્મમાં અલગ છૂટ આપવામાં આવે તો શૈક્ષણિક સંસ્થાની શિસ્ત અને એકરૂપતા પર અસર થઈ શકે છે.
શું હતો સમગ્ર મામલો?
વિદ્યાર્થીનીએ ધોરણ 10 સુધી આ જ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ધોરણ 11માં ફરી પ્રવેશ લેતી વખતે સ્કૂલ પ્રશાસને તેને નિર્ધારિત ડ્રેસ કોડનું પાલન કરવા જણાવ્યું હતું અને હિજાબ પહેરીને વર્ગમાં બેસવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.
સ્કૂલનું કહેવું હતું કે અહીં વિવિધ ધર્મોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને કોઈ એક વિદ્યાર્થીને યુનિફોર્મમાં વિશેષ છૂટ આપવામાં આવે તો સંસ્થાની શિસ્ત પર અસર થઈ શકે છે. આ દલીલો વચ્ચે હાઈકોર્ટે વિદ્યાર્થીનીની અરજી ફગાવી દીધી છે.








