ગાંધીનગર: ગાંધીનગર સચિવાલય, સ્કૂલો અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઈલના મામલે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા મળી છે. ટેકનિકલ તપાસના આધારે બિહાર અને ઝારખંડમાંથી બે શખ્સની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બંને શખ્સ વર્ષ 2022થી થ્રેટ મેઈલ માટે ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ બનાવતા હોવાની શંકા સામે આવી છે.
ભાગલપુર અને ઝારખંડથી બે શખ્સ ઝડપાયા
10 સપ્ટેમ્બરે ગાંધીનગર સચિવાલયને ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP વિવેક ભેડાએ જણાવ્યું કે ટેકનિકલ તપાસ દરમિયાન ધમકીભર્યા ઈ-મેઈલનું લોકેશન બિહારના ભાગલપુરમાં મળ્યું હતું.
આ આધારે ગુજરાતની ટીમે બિહાર પોલીસની મદદથી રોશન કુમારની અટકાયત કરી હતી. વધુ તપાસમાં અન્ય એક શખ્સ ગુલશન કુમારનું લોકેશન ઝારખંડમાં મળતાં તેને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.
5.13 લાખથી વધુ ઈ-મેઈલ આઈડી બનાવ્યાની શંકા
તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. બંને શખ્સ વર્ષ 2022થી ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ બનાવવાનું કામ કરતા હોવાની શંકા છે. અત્યાર સુધીમાં 5,13,847થી વધુ ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ બનાવવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ અન્ય લોકોને વેચવામાં આવતા હોવાની પણ માહિતી મળી છે. હવે સાયબર ટીમ એ તપાસ કરી રહી છે કે આ આઈડીનો ઉપયોગ કયા હેતુ માટે અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો.
બે ક્રિપ્ટો વોલેટ પણ મળી આવ્યા
સાયબર તપાસ દરમિયાન બે ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે. આ વોલેટમાં કેટલા વ્યવહારો થયા, કોની સાથે નાણાકીય લેવડદેવડ થઈ અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે ઝારખંડમાંથી ઝડપાયેલા ગુલશન કુમારના બાંગ્લાદેશના સંભવિત આતંકી નેટવર્ક સાથે કોઈ સંપર્ક હતા કે કેમ. જો સંપર્ક હોવાનું સામે આવે તો થ્રેટ મેઈલની કામગીરીમાં આ નેટવર્કની કોઈ ભૂમિકા હતી કે કેમ તે પણ તપાસવામાં આવશે.
અગાઉના ધમકીભર્યા ઈ-મેઈલની પણ તપાસ
ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં અગાઉ મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલમાં પણ બંને શખ્સની કોઈ ભૂમિકા હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેઈલ આઈડીના નેટવર્ક અને તેના ઉપયોગકર્તાઓ સુધી પહોંચવા માટે સાયબર ટીમ દ્વારા તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે.
એક 12 પાસ, બીજાએ BSc સુધી અભ્યાસ કર્યો
તપાસમાં જાણવા મળ્યા મુજબ રોશન કુમાર 12 પાસ છે અને ટેકનિકલ સ્કૂલમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગુલશન કુમારે BSc સુધી અભ્યાસ કર્યો છે અને તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
બંને આરોપીઓનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
તપાસનો દોર હવે મોટા નેટવર્ક તરફ
ગાંધીનગર થ્રેટ મેઈલ કેસમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમને બિહાર અને ઝારખંડ પોલીસનો સહયોગ મળ્યો છે. હવે ક્રિપ્ટો વોલેટના વ્યવહારો, લાખો ઈ-મેઈલ આઈડીનું નેટવર્ક, અન્ય શંકાસ્પદ લોકો અને સંભવિત બાંગ્લાદેશી કનેક્શન અંગે તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.









