વાદળ ફાટવા, ભૂસ્ખલન અને પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત; આગામી 48 કલાક માટે ભારે વરસાદની ચેતવણી
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. વાદળ ફાટવા, ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓમાં છેલ્લા બે દિવસ દરમિયાન 24 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપત્તા છે. ખરાબ હવામાનને કારણે અમરનાથ, વૈષ્ણોદેવી અને ચારધામ યાત્રા અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં કુદરતી આફત સર્જાઈ હતી. પૂંછ જિલ્લામાં ભૂસ્ખલનના કારણે એક મકાન પર કાટમાળ ધસી પડતાં એક જ પરિવારના સાત સભ્યોનાં મોત થયા હતા. ડોડા જિલ્લામાં બસ પર પથ્થર પડવાની ઘટનામાં બે લોકોના જીવ ગયા હતા, જ્યારે અન્ય અલગ-અલગ બનાવોમાં પણ જાનહાનિ નોંધાઈ છે.
હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ, રાજૌરી, પૂંછ સહિતના વિસ્તારોમાં તવી અને ચિનાબ નદીઓમાં પાણીનો પ્રવાહ વધતાં અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.
ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સતત બીજા દિવસે સ્થગિત રાખવામાં આવી હતી, જોકે બાલતાલ માર્ગ આંશિક રીતે ખુલ્લો મૂકાયો હતો. કટરામાં હજારો યાત્રાળુઓ અટવાઈ ગયા છે. વૈષ્ણોદેવી યાત્રામાર્ગ પર અનેક સ્થળોએ ભૂસ્ખલન અને પથ્થર ધસી પડતાં બેટરી કાર માર્ગ સહિતના રૂટોને અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યા છે.
ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે. મસૂરી-દેહરાદૂન માર્ગ સહિત અનેક રસ્તાઓ બંધ થતાં યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. માર્ગો સંપૂર્ણપણે સુરક્ષિત બન્યા બાદ જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુલ્લુ, શિમલા સહિતના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની આશંકાને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.









