ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો; સદનસીબે કોઈ જાનહાનિ નહીં
ગાંધીનગર: નવા સચિવાલયના બ્લોક-9માં વહેલી સવારે આગ લાગતાં દોડધામ મચી હતી. શરૂઆતમાં ઉપરના માળેથી ધુમાડો નીકળતો હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તપાસમાં આગ બેઝમેન્ટમાં લાગી હોવાનું સામે આવ્યું.
ફાયર બ્રિગેડની 3 ગાડીઓ અને 20થી વધુ જવાનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. બેઝમેન્ટમાં ગાઢ ધુમાડો ભરાયેલો હોવાથી જવાનો માટે અંદર પ્રવેશ કરવો મુશ્કેલ બન્યો હતો.
ઓક્સિજન સિલિન્ડર અને સ્પેશિયલ માસ્કની મદદથી ફાયર જવાનોએ અંદર પ્રવેશ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ કૂલિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી.
આગનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, જોકે શોર્ટ સર્કિટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.









