દમણથી લવાતો 316 પેટી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો કબજે; ચાલક અર્જુન બિંદની ધરપકડ
કરજણ: વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ કરજણ નજીક મોટી કાર્યવાહી કરતાં પ્લાસ્ટિકના સામાનની આડમાં દમણથી લવાતો રૂ.18.17 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેમ્પાના ચાલક અર્જુન બિંદની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરજણ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટેમ્પોને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્લાસ્ટિકના સામાનની આડમાં છુપાવી રાખેલી 316 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
એલસીબીએ દારૂનો જથ્થો, ટેમ્પો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.28.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો દમણથી અન્ય સ્થળે પહોંચાડવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે કરજણ પોલીસે ગુનો નોંધી દારૂના સપ્લાયર, રિસીવરો તેમજ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.








