સતત વરસાદ અને ભૂસ્ખલનથી કેદારનાથ યાત્રાનો પગપાળા માર્ગ બંધ

થિરબાસા હેલીપેડ પાસે કાટમાળ અને સતત પથ્થરો પડતાં માર્ગ બંધ : યાત્રીઓને સોનપ્રયાગ-ગૌરીકુંડમાં રોકાયા

ઉત્તરાખંડમાં સતત વરસાદ વચ્ચે ભૂસ્ખલનની ઘટનાઓને પગલે કેદારનાથ ધામ તરફ જતો પગપાળા યાત્રા માર્ગ રવિવારે બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર થિરબાસા હેલીપેડ નજીક મોટા પ્રમાણમાં કાટમાળ એકત્ર થવા ઉપરાંત સતત પથ્થરો પડતાં માર્ગ પર અવરજવર બંધ કરવી પડી છે.

વરસાદ અને પથ્થરો પડવાની સ્થિતિ વચ્ચે માર્ગ પરથી કાટમાળ હટાવવાની કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે. કેદારનાથ તરફ જઈ રહેલા શ્રદ્ધાળુઓને સોનપ્રયાગ અને ગૌરીકુંડ ખાતે રોકી દેવામાં આવ્યા છે, જ્યારે કેદારનાથથી પરત ફરી રહેલા યાત્રીઓને જંગલચટ્ટી ખાતે રોકવામાં આવ્યા છે.

પ્રશાસને યાત્રાળુઓને માર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત અને સાફ ન થાય ત્યાં સુધી તેમજ સત્તાવાર મંજૂરી ન મળે ત્યાં સુધી આગળ ન વધવા અપીલ કરી છે. સતત વરસાદને કારણે કેદારનાથ યાત્રાના માર્ગ પર હાલ સાવચેતી વધારવામાં આવી છે.

કેદારનાથ હેલી સેવાની 2926 ટિકિટ માત્ર એક કલાકમાં ફુલ

ચારધામ યાત્રાના બીજા તબક્કામાં 15 સપ્ટેમ્બરથી શરૂ થનારી કેદારનાથ હેલી સેવા માટેનું બુકિંગ શરૂ થતાં જ તમામ ટિકિટો હાઉસફુલ થઈ ગઈ છે. 7 સપ્ટેમ્બરે બુકિંગ પ્રક્રિયા શરૂ થયાના માત્ર એક કલાકમાં 15થી 30 સપ્ટેમ્બર સુધીની તમામ 2926 ટિકિટ બુક થઈ ગઈ હતી.

એક તરફ પગપાળા માર્ગ પર વરસાદ અને ભૂસ્ખલનના કારણે યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ હેલી સેવાની ટિકિટો માટે ભારે માગ જોવા મળી રહી છે.

Leave a Comment