ભારતે આઠમી વખત મહિલા એશિયા કપ જીત્યો

શ્રીલંકાને 72 રને હરાવી એશિયન ક્રિકેટમાં ફરી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને 72 રને હરાવી આઠમી વખત મહિલા એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. બે વર્ષ પહેલાં શ્રીલંકામાં જ યજમાન ટીમ સામે મળેલી હાર બાદ ભારતે આ વખતે જોરદાર વાપસી કરીને એશિયન ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ ફરી સ્થાપિત કર્યું છે.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની ઓપનિંગ જોડીએ ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી અને 77 બોલમાં 129 રનની સદીની ભાગીદારી કરી. બંનેની આક્રમક બેટિંગના કારણે ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 183 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો.

સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા. જ્યારે શેફાલી વર્માએ 39 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બંને ઓપનરો માત્ર પાંચ બોલના અંતરે આઉટ થયા બાદ ભારતીય મધ્યમક્રમ થોડો લથડ્યો હતો. શ્રીલંકાના બોલરોએ અંતિમ પાંચ ઓવરમાં માત્ર 43 રન આપ્યા હતા.

સ્પિન જોડીએ શ્રીલંકાની કમર તોડી

184 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ભારતીય સ્પિનરો સામે ટકી શકી નહોતી. શ્રી ચરાણીએ 4 વિકેટ ઝડપી 20 રન આપ્યા, જ્યારે દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી 19 રન આપ્યા હતા. ભારતીય બોલિંગ સામે શ્રીલંકાની આખી ટીમ 20 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 32 બોલમાં 36 રન બનાવીને સૌથી વધુ સ્કોર કર્યો હતો. જોકે અન્ય બેટ્સમેનો ભારતીય બોલિંગ સામે ખાસ પ્રતિકાર કરી શક્યા નહોતા અને ભારતે ફાઇનલ 72 રને જીતી લીધી.

સ્મૃતિ-શેફાલીની છઠ્ઠી સદીની ભાગીદારી

સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છઠ્ઠી વખત સદીની ભાગીદારી નોંધાવી છે. ઇનિંગની 11મી ઓવરના બીજા બોલે ભારતે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 100 રન પૂરા કર્યા હતા.

શેફાલીના નામે 400થી વધુ ચોગ્ગા

શેફાલી વર્માએ ફાઇનલમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેના T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400થી વધુ ચોગ્ગા થઈ ગયા છે. તેના નામે હવે 404 ચોગ્ગા છે. T20Iમાં 400થી વધુ ચોગ્ગા ફટકારનારી તે ચોથી બેટર બની છે. આ યાદીમાં સ્મૃતિ મંધાના 639 ચોગ્ગા સાથે ટોચ પર છે.

શેફાલીના નામે T20I કારકિર્દીમાં 93 છગ્ગા પણ નોંધાયા છે. ફાઇનલમાં તેના અને સ્મૃતિના આક્રમક પ્રદર્શન બાદ ભારતીય સ્પિનરોએ શ્રીલંકાને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધું હતું.

હરમનપ્રીત કૌરનું નિવેદન

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટીમના પ્રદર્શન અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ટીમે પોતાના નક્કી કરેલા ઊંચા ધોરણો પ્રમાણે રમત રમી હતી. સમગ્ર ટીમે જે રીતે પ્રદર્શન કર્યું તેનાથી તે ખૂબ જ ખુશ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Leave a Comment