ખાદ્યચીજોના ભાવવધારાથી મોંઘવારી ફરી ભડકી: RBI સામે વ્યાજદર વધારવાનો પડકાર

દેશમાં ખાદ્યચીજોના ભાવમાં વધારો થતાં મોંઘવારીનો દર ફરી ઊંચો ગયો છે. ડુંગળી, લસણ અને આદુ જેવી ચીજોના વધેલા ભાવની અસર સીધી લોકોના રસોડાના બજેટ પર પડી રહી છે. બીજી તરફ મધ્ય પૂર્વનું યુદ્ધ અને અલ-નીનોના કારણે અનિયમિત વરસાદ જેવા પરિબળો આગામી સમયમાં પણ મોંઘવારીનું દબાણ વધારી શકે છે.

રિટેલ મોંઘવારી 4.45થી વધીને 4.82 ટકા

સરકારી આંકડા મુજબ ઓગસ્ટમાં રિટેલ મોંઘવારીનો દર 4.82 ટકા નોંધાયો હતો, જે જુલાઈમાં 4.45 ટકા હતો. જથ્થાબંધ મોંઘવારી પણ જુલાઈના 9.78 ટકાથી વધીને ઓગસ્ટમાં 9.92 ટકા થઈ છે. આમ, છૂટક અને જથ્થાબંધ બંને સ્તરે મોંઘવારીમાં વધારો જોવા મળ્યો છે.

ખાદ્યચીજોની મોંઘવારી જુલાઈના 5.52 ટકાથી વધીને ઓગસ્ટમાં 5.95 ટકા થઈ હતી. ખાસ કરીને લસણ, ડુંગળી અને આદુના ભાવમાં વધારાની અસર મોંઘવારીના આંકડા પર જોવા મળી છે. જોકે ટમેટા, બટેટા અને ભીંડા જેવી કેટલીક ચીજોના ભાવમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળી હતી.

RBIની આગામી નીતિ પર સૌની નજર

મોંઘવારીના વધતા દબાણને કારણે રિઝર્વ બેંક માટે વ્યાજદર અંગેનો નિર્ણય મુશ્કેલ બની શકે છે. આગામી મહિનાની શરૂઆતમાં RBIની ધિરાણ નીતિની સમીક્ષા થવાની છે. ઊંચી મોંઘવારીને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોના એક વર્ગ દ્વારા ઓક્ટોબર અને ડિસેમ્બરમાં વ્યાજદર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગ્રામીણ વિસ્તારમાં મોંઘવારીનો દર વધુ

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના આંકડા પ્રમાણે ઓગસ્ટમાં ગ્રામીણ વિસ્તારમાં રિટેલ મોંઘવારી 5.23 ટકા, જ્યારે શહેરી વિસ્તારમાં 4.31 ટકા રહી હતી. જથ્થાબંધ મોંઘવારીમાં ખાદ્યચીજોની મોંઘવારી 6.65 ટકાથી વધીને 7.05 ટકા થઈ હતી. ઉત્પાદિત ચીજોની મોંઘવારીનો દર 8.37 ટકા રહ્યો હતો.

રાજ્યવાર સ્થિતિમાં તેલંગાણામાં સૌથી વધુ 6.27 ટકા રિટેલ મોંઘવારી નોંધાઈ હતી, જ્યારે મિઝોરમમાં સૌથી ઓછી 2.35 ટકા મોંઘવારી રહી હતી.

તહેવારો પહેલાં ભાવવધારો ચિંતાજનક

હાલમાં વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થતાં ખરીદીમાં વધારો થવાની શક્યતા છે. પરંતુ જો ઊંચા ભાવ યથાવત રહેશે તો લોકોના ઘરખર્ચ પર વધુ બોજ પડશે અને ખરીદીમાં ઘટાડો થવાની શક્યતા પણ છે.

Leave a Comment