પશ્ચિમ એશિયાના તણાવથી ભારતની નિકાસને ફટકો: શિપિંગ ખર્ચ બમણો

હોર્મુઝ માર્ગે નિકાસ ખોરવાઈ, કન્ટેનરની અછતથી રૂ.4,000 કરોડનો માલ અટવાયો

નવી દિલ્હી: અમેરિકા-ઈરાન સંઘર્ષ અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર ભારતના વિદેશી વેપાર પર પડી રહી છે. હોર્મુઝ સામુદ્રધુની મારફતે નિકાસમાં ભારે વિક્ષેપ સર્જાતા વેપારીઓને લાંબા વૈકલ્પિક સમુદ્રી માર્ગો અપનાવવા પડી રહ્યા છે.

લાંબા માર્ગને કારણે શિપિંગ, ઈંધણ અને વીમા ખર્ચમાં વધારો થયો છે. કન્ટેનરની અછતથી ડિલિવરીમાં વિલંબ થતાં અનેક નિકાસકારોને મુશ્કેલી પડી રહી છે.

FIEOના મહાનિર્દેશક ડો. અજય સહાયના જણાવ્યા મુજબ, કન્ટેનર અને જહાજોની અછતને કારણે વિદેશી ઓર્ડરની ડિલિવરી પ્રભાવિત થઈ રહી છે. કેટલાક ખરીદદારો ઓર્ડર રદ કરી અન્ય દેશોમાંથી માલ ખરીદી રહ્યા છે.

એન્જિનિયરિંગ, કેમિકલ, ટેક્સટાઈલ, ગારમેન્ટ, કૃષિ, ફાર્મા અને ઓટો કમ્પોનન્ટ ક્ષેત્રો પર સૌથી વધુ અસર પડી રહી છે.

કઝાકિસ્તાન માટે 20 ટનનું શિપમેન્ટ અગાઉ 5થી 6 હજાર ડોલરમાં થતું હતું, જે હવે વધીને આશરે 13 હજાર ડોલર થયું છે.

કન્ટેનરની અછત અને વધતા ખર્ચ વચ્ચે ઉત્તર પ્રદેશની આશરે રૂ.4,000 કરોડની નિકાસ અટવાઈ હોવાનું જાણવા મળ્યું છે. લાંબા રૂટને કારણે સ્ટોરેજ, ડિટેન્શન અને નાણાકીય ખર્ચમાં પણ વધારો થયો છે.

Leave a Comment

और पढ़ें