નવી દિલ્હીઃ સ્વાતંત્ર્ય દિન 2026ના અવસરે દેશની સુરક્ષા અને સેવામાં નોંધપાત્ર યોગદાન આપનાર પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ અને જેલ વિભાગના કુલ 1,057 કર્મીઓને વીરતા અને સેવા પદકોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે આ અંગે માહિતી જાહેર કરી છે.
આ વર્ષે કુલ 301 મેડલ ફોર ગેલન્ટ્રી આપવામાં આવ્યા છે. જેમાં 272 પોલીસ કર્મી અને 29 ફાયર સર્વિસ કર્મી સામેલ છે. ફરજ દરમિયાન બહાદુરી અને સાહસિક કામગીરી બદલ આ પદકો એનાયત કરવામાં આવ્યા છે.
વિશિષ્ટ સેવા માટે કુલ 92 રાષ્ટ્રપતિ પદક આપવામાં આવ્યા છે. લાંબા સમય સુધી ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ સેવા આપનાર કર્મચારીઓને આ સન્માન આપવામાં આવે છે. તેમાં 83 પોલીસ કર્મી, 4 ફાયર સર્વિસ કર્મી, 3 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ કર્મી તથા 2 જેલ કર્મીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત **664 કર્મીઓને મેડલ ફોર મેરિટોરીયસ સર્વિસ (MSM)**થી સન્માનિત કરવામાં આવ્યા છે. કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ અને પ્રશંસનીય સેવા બદલ આ પદક આપવામાં આવે છે. તેમાં 606 પોલીસ કર્મી, 28 ફાયર સર્વિસ કર્મી, 18 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ કર્મી તથા 12 જેલ કર્મી સામેલ છે.
આ સન્માનો દેશની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને જનસેવામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મીઓની બહાદુરી, સમર્પણ અને ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવા માટે આપવામાં આવ્યા છે.









