રામ મંદિર દાન અંગે રિપોર્ટિંગ કરનાર પત્રકાર સામે FIR : સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી

અયોધ્યાના રામ મંદિર દાનમાં કથિત ગેરરીતિ અને ચોરી અંગે તપાસાત્મક રિપોર્ટિંગ કરનાર પત્રકાર તથા કન્ટેન્ટ ક્રિએટર અભિષેક ઉપાધ્યાય સામે ઉત્તર પ્રદેશ પોલીસે FIR નોંધતા મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR રદ કરવાની માંગ સાથે પત્રકારે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે.

અરજદારના વકીલે કેસની તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. જેના પગલે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે મામલાને સુનાવણી માટે લિસ્ટ કરવાની સંમતિ આપી છે. પોલીસ ફરિયાદમાં આરોપ છે કે શિપ્રા મોલ પાસે બલેનો કારથી એક બાઇકને ટક્કર મારવામાં આવી અને ત્યારબાદ ધમકી આપવામાં આવી હતી. જોકે, અભિષેક ઉપાધ્યાયે આ સમગ્ર આરોપને પાયાવિહોણો ગણાવ્યો છે.

પત્રકારનો દાવો : રિપોર્ટિંગના કારણે મને નિશાન બનાવાયો

અભિષેક ઉપાધ્યાયનો આરોપ છે કે રામ મંદિર દાન કેસ ઉપરાંત ભ્રષ્ટાચાર, ગેરકાયદે ખનન અને સરકારી વિભાગોમાં થતી કથિત અનિયમિતતાઓ અંગે તેમણે કરેલા રિપોર્ટિંગથી નારાજ થઈને તેમને ડરાવવા અને દબાવવાના હેતુથી ખોટો કેસ કરવામાં આવ્યો છે.

પત્રકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ FIR રદ કરવાની માગ કરી છે. જો FIR રદ ન કરવામાં આવે તો તેમણે તપાસ ઉત્તર પ્રદેશ પોલીસ સિવાય CBI અથવા દિલ્હી પોલીસ જેવી તટસ્થ એજન્સીને સોંપવાની માગ પણ કરી છે.

હવે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં FIR અંગે શું નિર્ણય આવે છે અને તપાસને લઈને કોર્ટ શું દિશાનિર્દેશ આપે છે તેના પર સૌની નજર રહેશે.

Leave a Comment