બ્રિટનમાં કાળઝાળ ગરમીઃ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પારો 38°Cને પાર

લંડનઃ બ્રિટનમાં ગુરુવારે આ વર્ષની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. પશ્ચિમી લંડનમાં તાપમાન 38.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ભારે ગરમીના કારણે અનેક વિસ્તારોમાં હીટવેવ અને આગનું જોખમ વધ્યું છે.

ફ્રાન્સમાં પણ છેલ્લા 17 દિવસથી ભીષણ ગરમી યથાવત છે. બોર્ડોમાં તાપમાન 39°C, નેન્ટસમાં 37°C, પેરિસમાં 37°C અને મોન્ટપેલિયરમાં 35°C નોંધાયું છે. જ્યારે સ્પેનના મિરાન્ડા ડી એબ્રોમાં 42.4°C તાપમાન નોંધાયું હતું.

ગરમીના કારણે બ્રિટનમાં જંગલોમાં આગ લાગવાનું જોખમ પણ વધી ગયું છે. પૂર્વી અને દક્ષિણી સ્કોટલેન્ડના કેટલાક વિસ્તારોમાં જંગલ આગ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે.

જુલાઈમાં પડેલા રેકોર્ડબ્રેક દુષ્કાળ અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદની અછતને કારણે ઈંગ્લેન્ડનો લગભગ ત્રણ-ચતુર્થાંશ વિસ્તાર અને સમગ્ર વેલ્સ દુષ્કાળની ઝપેટમાં છે. જેના કારણે ઘરવપરાશ, ખેતી અને પર્યાવરણ માટે પાણીના સંસાધનો પર ભારે દબાણ ઊભું થયું છે.

ડેન્યુબ નદીમાં પણ પાણીનું સ્તર ઘટ્યું

યુરોપની મહત્વપૂર્ણ ડેન્યુબ નદીમાં પાણીનું સ્તર પણ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયું છે. પાણીની અછતના કારણે થર્મલ પાવર પ્લાન્ટને કૂલિંગ માટે જરૂરી પાણીની અછત સર્જાઈ છે.

કૂલિંગ માટે વીજળીની વધતી માંગને કારણે કેટલાક પાવર પ્લાન્ટને ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે. યુરોપમાં સતત ગરમી અને પાણીની અછતને કારણે ઊર્જા, કૃષિ અને પર્યાવરણ ક્ષેત્રે પડકારો વધવાની આશંકા છે.

Leave a Comment

और पढ़ें