167 કિમીની ઝડપે ધસી આવ્યો ‘આઇસ રોક’, નેપાળમાં મચાવી તબાહી!

ગ્લેશિયલ તળાવ ફાટ્યું નહોતું! 5200 મીટરની ઊંચાઈએથી બરફ-ખડકનો વિશાળ જથ્થો તૂટતાં વિનાશકારી ફ્લેશ ફ્લડ સર્જાઈ

કાઠમંડુ: નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી વિનાશકારી પૂરને લઈને મોટો વૈજ્ઞાનિક ખુલાસો થયો છે. પ્રાથમિક વૈજ્ઞાનિક આકલન મુજબ આ તબાહી ગ્લેશિયલ તળાવ ફાટવાના કારણે નહીં, પરંતુ લાંગટાંગ સિરુંગના ઢોળાવ પરથી વિશાળ આઇસ-રોક તૂટી પડવાથી સર્જાઈ હતી.

નેપાળ એન્વાયરમેન્ટ સોસાયટી (NES)ની નિષ્ણાત ટીમના પ્રારંભિક અભ્યાસ અનુસાર આશરે 5200 મીટરની ઊંચાઈએથી ગ્લેશિયરનો બરફ, વિશાળ ખડક અને કાટમાળનો જથ્થો તૂટી નીચે ધસી આવ્યો હતો. આ જથ્થો પાણી સાથે ભળતાં અત્યંત શક્તિશાળી ફ્લેશ ફ્લડમાં ફેરવાઈ ગયો હતો.

આ પ્રવાહની સરેરાશ ઝડપ આશરે 46.3 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે લગભગ 167 કિલોમીટર પ્રતિ કલાક હોવાનો અંદાજ છે. આટલી પ્રચંડ ઝડપે ધસી આવેલા બરફ, ખડક અને કાટમાળે રસ્તામાં આવતી દરેક વસ્તુને પોતાની સાથે ખેંચી લીધી હતી.

20 કરોડ ઘન મીટર સુધીનો જથ્થો

પ્રાથમિક અભ્યાસમાં આઇસ-રોક ઘટનામાં આશરે 10થી 20 કરોડ ઘન મીટર બરફ, ખડક અને કાટમાળ સામેલ હોવાનો અંદાજ છે.

આ જથ્થો 2021માં ભારતમાં થયેલી ચમોલી દુર્ઘટનામાં તૂટી પડેલા કાટમાળ કરતાં લગભગ 4થી 8 ગણો વધુ હોવાનું અભ્યાસમાં જણાવાયું છે.

2930 મીટરની ઊંચાઈએ પહોંચતાં ઝડપ વધી

અભ્યાસ મુજબ 5200 મીટરની ઊંચાઈએ ખડકનો મોટો હિસ્સો તૂટી પડ્યો હતો. તેના ઉપર રહેલો ગ્લેશિયરનો બરફ, ખડકો અને કાટમાળ પણ તેની સાથે નીચે આવી ગયા હતા.

આ પ્રવાહ આશરે 2930 મીટરની ઊંચાઈએ આવેલા લ્હેન્ડે ખોલા સુધી પહોંચ્યો હતો. અહીં ઢાળ વધુ હોવાથી કાટમાળે ભારે ઝડપ પકડી હતી. આગળ વધતી વખતે તેણે વધુ બરફ, ખડકો, માટી અને કાંપ પોતાની સાથે ભેળવી લીધા હતા.

આ રીતે શરૂઆતમાં તૂટેલો બરફ-ખડકનો જથ્થો રસ્તામાં વધુ સામગ્રી ભેગી કરતો ગયો અને એક વિશાળ વિનાશકારી ફ્લેશ ફ્લડમાં પરિવર્તિત થયો.

ત્રણ ગ્લેશિયલ તળાવ મળ્યાં, પરંતુ ફાટ્યાના પુરાવા નહીં

નિષ્ણાત ટીમે ઘટનાના વિસ્તારની અનેક સેટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં ઉપરના વિસ્તારમાં ત્રણ ગ્લેશિયલ તળાવો હોવાની માહિતી મળી હતી.

જોકે, અત્યાર સુધીના વિશ્લેષણમાં આ તળાવો ફાટ્યા હોવાના કોઈ સ્પષ્ટ પુરાવા મળ્યા નથી. આપત્તિ બાદ વિસ્તારમાં બે અસ્થાયી તળાવો બન્યા હોવાનું જરૂર જોવા મળ્યું છે.

અર્થાત્, પ્રાથમિક વૈજ્ઞાનિક તારણ મુજબ નેપાળની આ વિનાશકારી ઘટનામાં મુખ્ય ભૂમિકા ગ્લેશિયલ તળાવ ફાટવાની નહીં, પરંતુ વિશાળ આઇસ-રોક તૂટી પડ્યા બાદ સર્જાયેલા અત્યંત ઝડપી બરફ-ખડક-કાટમાળના પ્રવાહની હતી.

Leave a Comment

और पढ़ें