રેલવે મંત્રીઓની હવાઈ મુસાફરી પાછળ ₹8.9 કરોડનો ખર્ચ: 33 ચાર્ટર્ડ ફ્લાઈટ, લાલુપ્રસાદ સૌથી આગળ

રેલવે મંત્રાલયે RTIના જવાબમાં ચાર્ટર્ડ ફ્લાઈટના ઉપયોગ અંગે મહત્વની વિગતો જાહેર કરી છે. 2007થી અત્યાર સુધીમાં 33 ચાર્ટર્ડ ફ્લાઈટ માટે રેલવે દ્વારા આશરે ₹8.9 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ સમયગાળામાં સૌથી વધુ 12 વખત ચાર્ટર્ડ ફ્લાઈટનો ઉપયોગ લાલુપ્રસાદ યાદવે કર્યો હતો. તેમની હવાઈ મુસાફરી પાછળ અંદાજે ₹2 કરોડનો ખર્ચ થયો હતો. બિહારમાં પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન હવાઈ નિરીક્ષણ માટે પણ તેમણે રેલવેના ખર્ચે ચાર્ટર્ડ ફ્લાઈટનો ઉપયોગ કર્યો હતો.

જોકે, એકંદર ખર્ચમાં સુરેશ પ્રભુ સૌથી આગળ રહ્યા છે. તેમણે ચાર ચાર્ટર્ડ ફ્લાઈટ પાછળ આશરે ₹3.01 કરોડ ખર્ચ્યા હતા. એટલે એક ફ્લાઈટનો સરેરાશ ખર્ચ લગભગ ₹75 લાખ થયો હતો.

બીજી તરફ, 2021થી રેલવે મંત્રાલય સંભાળતા અશ્વિની વૈષ્ણવનો ચાર્ટર્ડ ફ્લાઈટનો ઉપયોગ સૌથી ઓછો રહ્યો છે. તેમણે અત્યાર સુધીમાં માત્ર એક વખત ચાર્ટર્ડ ફ્લાઈટનો ઉપયોગ કર્યો હોવાનું જણાવાયું છે. ટ્રેન અકસ્માતના સ્થળે પહોંચવા માટે કરવામાં આવેલી આ મુસાફરી પાછળ આશરે ₹25 લાખનો ખર્ચ થયો હતો.

મળતી માહિતી મુજબ, મોટાભાગના રેલવે મંત્રીઓએ ટ્રેન અકસ્માત અને કુદરતી આફત જેવી તાત્કાલિક પરિસ્થિતિમાં ઝડપથી સ્થળ પર પહોંચવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટનો ઉપયોગ કર્યો હતો.

આવી ફ્લાઈટ માટે ઘણી વખત એરફોર્સ અથવા BSFના વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે. પિયુષ ગોયલ બાદ રેલવેના પોતાના ટિકિટિંગ પ્લેટફોર્મ IRCTC મારફતે ફ્લાઈટ બુક કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ માહિતીમાં સામે આવ્યું છે.

Leave a Comment

और पढ़ें